અમદાવાદ તા.6
એક ભારત, શ્રેષ્ઠ ભારત અંતર્ગત દેશભરનાં પ્રવાસન સ્થળોનાં દર્શન માટે રેલવે દ્વારા દાખલ કરાનારી ભારત ગૌરવ એસી ટુરીસ્ટ ટ્રેનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવી છે.
ગરવી ગુજરાત પ્રવાસ માટેની રેલવેની આ ટ્રેન 28 મી ફેબ્રુઆરીએ દિલ્હીથી રવાના થશે વાઈબ્રન્ટ ગુજરાતના હેરીટેજ સ્થાનોનું પરિભ્રમણ કરાવતી આ ટ્રેનની ડીઝાઈન એક ભારત, શ્રેષ્ઠ ભારતના ધોરણે કરવામાં આવી છે.
રેલવે મંત્રાલયનાં કહેવા પ્રમાણે સંપૂર્ણ સ્વદેશી ભારત ગૌરવ ડિલકસ એસી ટુરીસ્ટ ટ્રેનમાં ફર્સ્ટ એસી તથા સેકન્ડ સ્કોચીની સુવિધા છે. આઠ દિવસનાં પ્રવાસ પેકેજમાં રહેવા-જમવા-ફરવા સહીત તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ તથા બે સેકન્ડ એસી કોચ હશે. આ ઉપરાંત એક પેન્ટ્રીકાર તથા બે રેલવે રેસ્ટોરા હશે.ટ્રેનમાં 156 પ્રવાસીઓની ક્ષમતા હશે. આ રેલ્વે પ્રવાસમાં ગુજરાતના ધાર્મિક તથા હેરીટેજ સ્થાનોનું પરિભ્રમણ કરાવવામાં આવશે.
પ્રવાસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટદ્વારકા, અમદાવાદ, મોઢેરા તથા પાટણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુરૂગ્રામ રેવાસી, રીંગા, ફુલેરા તથા અજમેરથી પણ ચડવા ઉતરવાની સવલતો આપવામાં આવી છે.પેકેજનાં નાણાં ચુકવવાની પણ સુવિધા આપવામાં આવી છે.