♦ આરોપીનું નામ ભગા નાગજી હોવાનું જાણવા મળે છે: ફુલગ્રામની ઘટના: જોરાવરનગર પોલીસ દોડી ગઇ
(ફારૂક ચૌહાણ)
વઢવાણ,તા.6
સુરેન્દ્રનગર જિલ્લાના ફુલગ્રામ ગામે ટ્રીપલ મર્ડરની ઘટના બની ખળભળાટ મચી ગયો છે. એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા થયાનું જાણવા મળી રહયું છે. બનાવની મળેલી વિગત મુજબ જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા ફુલગ્રામમાં રહેતા હમીરભાઇ કેહરભાઇ મેમકીયાને ગામના જ રહેવાસી ભગા નાગજીભાઇ (રહે. મુળ મોરવાડ, હાલ ફુલગ્રામ) સાથે રસ્તે ચાલવા બાબતે માથાકુટ ચાલતી હતી.
આ નજીવી બાબતે આજે ઉગ્રરૂપ ધારણ કરી લીધુ હતું અને લોહીયાળ ખેલ ખેલાયો હતો. બનાવમાં પ્રાથમિક વિગતો મળી છે. જેમાં સુત્રો હમીરભાઇ, તેના પુત્ર અને પુત્રવધુની હત્યા થયાની વાતને સમર્થન આપે છે.
બનાવના પગલે જોરાવરનગર પોલીસ, જિલ્લા એલસીબીની ટીમ, એસઓજીની ટીમો, સુરેન્દ્રનગર જીલ્લા એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી ગયો છે. મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડાયા છે. કેટલાક લોકોને ઇજા થયાનું પણ જાણવા મળી રહયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.