સૌરાષ્ટ્ર યુનિ.માં ગૌકૃષિ વિદ્યા કેન્દ્ર સલાહકાર સમિતિની બેઠક મળી: ગૌજતન સંસ્થા સાથે MoU

06 February 2023 04:43 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર યુનિ.માં ગૌકૃષિ વિદ્યા કેન્દ્ર સલાહકાર સમિતિની બેઠક મળી: ગૌજતન સંસ્થા સાથે MoU

ગૌકૃષિ વિદ્યા કેન્દ્રના નિયામક તરીકે સમાજ શાસ્ત્ર ભવનના પ્રા.ડો.ભરતભાઈ ખેરની નિમણુંક

રાજકોટ,તા.6 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને મળેલ હતી. આ બેઠકમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારીત ખેતી તથા કેન્દ્રની આગામી વિવિધ પ્રવૃત્તિઓ તથા તથા કાર્યો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની સ્થાપનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થાય, ગાય આધારીત ખેતીને વેગ મળે, વિનયન અને વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિષયક સંશોધન કરાવવા, ગાય આધારીત ઉદ્યોગોની માહિતી અને સંશોધન કરવું, છેવાળાના વ્યકિત સુધી માહિતી પહોંચે, મુલ્યયુકત શિક્ષણ તરીકે ગાયનું જતન અને પાવિત્ર્ય અંગેની જાગૃતિ ફેલાવવી આ બધા કેન્દ્રના મુખ્ય હેતુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે.ગિરીશભાઈ ભીમાણી એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાત રાજયની યુનિવર્સિટીઓમાં સૌપ્રથમ "ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર" ની શરૂઆત કરવામાં આવેલ છે. આજની મળેલ સલાહકાર સમિતિની મીટીંગમાં ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર એ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અને ગીર ગૌ જતન સંસ્થા, ગોંડલ સાથે એમ.ઓ.યુ. કરી આ ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવશે. કેન્દ્ર દ્વારા કોલેજોના વિદ્યાર્થીઓ આ કેન્દ્રની પ્રવૃત્તિઓ સાથે જોડાય એ માટે એન.એસ.એસ. ની પ્રવૃત્તિમાં ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રના વિષયનો સમાવેશ કરવામાં આવશે.ભારત સરકારના ગૌ સેવા આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરીયા એ જણાવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ, ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર એ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અને ગાય આધારીત ખેતીને વેગ મળશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી વિષય આધારિત સર્ટીફીકેટ કોર્ષ શરુ કરવા માટે વિચારણા કરવામાં આવશે.સલાહકાર સમિતિના સભ્ય ડો. સી.કે.ટીંબડીયા એ જણાવ્યું હતું કે ગાય આધારીત ખેતી અને પ્રાકૃતિક ખેતી એ આજના સમયમાં ખુબ જરુરી છે.ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની મીટીંગમાં ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ સભાનું આયોજન, પ્રાકૃતિક ખેતી અંગેની શિબિરનું આયોજન, તાલીમ, વિવિધ ગાય આધારીત ખેતીની રીત વિશે માહિતી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.આ મીટીંગમાં ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રના કાર્યો, બજેટની જોગવાઈ, કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રના નિયામકશ્રી તરીકે સમાજશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડો. ભરતભાઈ ખેરની નિયુક્તિ કરવામાં આવેલ છે. આ મીટીંગમાં ભારત સરકારના ગૌ સેવા આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા, ગીર ગૌ જતન સંસ્થા, ગોંડલના શ્રી રુપારેલીયા, પ્રાકૃતિક યુનિવર્સિટી, આણંદના કુલપતિ ડો. સી.કે. ટીંબડીયા, કુલસચિવશ્રી અમીતભાઈ પારેખ તથા સલાહકાર સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement