► ગત સપ્તાહમાં પેપર લીક થયા બાદ રદ થનારી પરીક્ષા યોજવા જવાબદારી સોંપી: 100 દિવસમાં પરિક્ષા: તૈયારી કરવા ઉમેદવારોને અપીલ
રાજકોટ,તા.6
ગુજરાતમાં જુનીયર કલાર્કની પરીક્ષા ‘લીક’ થવાથી સર્જાયેલ વિવાદમાં અંતે સરકારે પંચાયતી સેવા મંડળનાં અધ્યક્ષની વધારાની જવાબદારી સોંપી રદ થયેલી પરીક્ષા હવે કોઈપણ લીકેજ કે વિવાદ વગર લેવાય તે માટે જણાવ્યું છે.
ગુજરાતના આ પ્રમાણીક આઈપીએસ અધિકારી અગાઉ પોલીસ ભરતી સહીતની પરીક્ષામાં કોઈ ગેરરીતિ વગર જ યોજવામાં સફળ રહ્યા હતા. અને હવે પંચાયત પસંદગી મંડળ જેમા હાલ ઈન્ચાર્જ અધિકારીથી કામ ચલાવાતું હતું પણ હવે પેપર લીક થયા બાદ ડેમેજ કન્ટ્રોલરૂપે એડીશ્નલ ડીજીપી તરીકે ફરજ બજાવતા અને સરકારના ટ્રબલ શૂટર અધિકારી તરીકે જાણીતા હસમુખ પટેલને આજે પંચાયત સેવા મંડળનાં અધ્યક્ષ તરીકે નિયુકિત કરાયા છે. તે બાદ શ્રી પટેલે જાહેર કર્યું કે આગામી 100 દિવસમાં અને મોડામાં મોડી એપ્રિલ સુધીમાં જુનીયર કલાર્કની પરીક્ષા ફરી લેવાશે.
તેઓએ પરિક્ષાર્થીઓને તૈયારીમાં લાગી જવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, પરીક્ષા વહેલી લેવાય કરતા સ્વચ્છ લેવાય તે જરૂરી છે. અને તેથી એપ્રિલમાં પરીક્ષા લેવા માટે તૈયારી અગાઉ લાખો પરીક્ષાર્થીઓ એલ.આર.ડી.ની પરીક્ષા સફળતાપૂર્વક અને કોઈ લીકેજ વગર જ યોજવામાં હસમુખ પટેલ સફળ રહ્યા છે અને તેથી હવે સરકારે ફરી તેમના પર વિશ્વાસ મૂકયો છે.
ગુજરાત પંચાયત સેવા આયોગ મંડળ દ્વારા જુનીયર કલાર્કની પરીક્ષા 15 લાખથી વધુ પરીક્ષાર્થીઓ બેઠા હતા. પણ પેપર લીકેજ થવાથી સમગ્ર પરીક્ષા રદ કરવી પડી હતી અને ભારે ઉહાપોહ થયો હતો સરકાર માટે ભારે મુસીબત સર્જાઈ હતી.
રાજય સરકારે હવે ભવિષ્યમાં તેની તમામ ભરતીઓ માટે યુપીએસઈ જેવુ મોડેલ તૈયાર કરવા નિર્ણય લીધો છે જે તમામ સરકારી પરીક્ષાઓ લેશે અને તેમાં એક અલગ જ નિયમન તંત્ર ઉભુ કરાશે જેના કારણે વારંવાર ભરતી પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ બને છે તેને ડામી શકાશે. આગામી બે કે ત્રણ માસમાં આ પ્રકારની એક ખાસ અલગ વ્યવસ્થા ઉભી થઈ જશે.