રાજકોટ,તા.6 : રાજકોટમાં ઢેબર રોડ પર બાઈક સ્લીપ થઈ બંધ બોલેરો પાછળ અથડાતા ચાલકને ગંભીર ઇજા થવાથી તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.યુવક સહકાર રોડ પર મિત્રને ત્યાં વરરાજાને તૈયાર કરી રૈયારોડ પર ઘરે જવા પરત ફરતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
વધુ વિગતો મુજબ,રૈયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રભાઈ જયસુખભાઈ બગથરિયા(વાણંદ)(ઉ.વ.35)જેઓ કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે ગુડલક હર સલુન ચલાવે છે.તેઓ ગઇકાલે સહકાર રોડ પર મિત્રના ઘરે વરરાજા જેમના આજે લગ્ન હોય તે કનુભાઈ બોરીચાને તૈયાર કરવા ગયા બાદ રાત્રીના ત્યાંથી ઘરે પરત ફરતા હતા ત્યારે ઢેબર રોડ પર બસપોર્ટ પાસે બાઇક સ્લીપ થતા જ બાઇક બોલેરો પાછળ અથડાયું હતું અને ભુપેન્દ્રને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.તેમના પિતા નિવૃત આર્મીમેન હતા.પોતે બે બહેન એક ભાઈમાં મોટો હતો.તેમના અગાઉ લગ્ન થયા હતા બાદમાં પત્ની સાથે મનમેળ નહી થતા છૂટાછેડા થઈ ગયા હતા.તેઓ ઘરમાં મદદરૂપ થતા હતા.તેમનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો હતો.જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.