NSUIના આગેવાનો સાથે તોછડું વર્તન કરનાર PI સામે કાર્યવાહી કરો: CP કચેરી ગજવતું કોંગ્રેસ

06 February 2023 06:22 PM
Rajkot
  • NSUIના આગેવાનો સાથે તોછડું વર્તન કરનાર PI સામે કાર્યવાહી કરો: CP કચેરી ગજવતું કોંગ્રેસ
  • NSUIના આગેવાનો સાથે તોછડું વર્તન કરનાર PI સામે કાર્યવાહી કરો: CP કચેરી ગજવતું કોંગ્રેસ

એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીને ગાળો ભાંડવા તેમજ આગેવાન માનવ સોલંકીને જ્ઞાતિ વિરુદ્ધ હડધૂત કર્યાનો આક્ષેપ: લોકશાહી ઢબે આંદોલન કરવાનો હક્ક પણ પોલીસ છીનવી રહ્યાનો આક્ષેપ

રાજકોટ, તા.6 : યુનિવર્સિટીનું પેપર ફૂટ્યાના મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે 1 ફેબ્રુઆરીએ ઈન્દીરા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઑફ ઈન્ડિયા (એનએસયુઆઈ)ના આગેવાનો સાથે એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ ઝનકાત દ્વારા અત્યંત તોછડું વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે તેમની સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ આગેવાનો દ્વારા આજે પોલીસ કમિશનર કચેરી ગજવવામાં આવી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયાને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાએ જણાવ્યું

કે ગત તા.1 ફેબ્રુઆરીએ ઈન્દીરા સર્કલ ખાતે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના 20થી વધુ કાર્યકરોની ગાંધીગ્રામ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારપછી તમામને રાજકોટથી 35 કિ.મી. દૂર એરપોર્ટ (બામણબોર) પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પીઆઈ ઝનકાત દ્વારા સામાન્ય બાબતે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે અત્યંત ગેરવર્તન કરીને તેમને ગાળો ભાંડવામાં આવી હતી. આ ઉપરાંત એનએસયુઆઈના આગેવાન માનવ સોલંકીને બધાની એક તરફ લઈ જ્ઞાતિ વિરુદ્ધ બેફામ શબ્દો બોલી હડધૂત કરવામાં આવ્યા હતા.

આ ગેરવર્તણુકનો વીડિયો પણ કોંગ્રેસ આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે લોકશાહી ઢબે આંદોલન કરી રહ્યા હોવા છતાં આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ભાજપના ઈશારે કામ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે એટલા માટે પીઆઈ ઝનકાત વિરુદ્ધ તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધી તેમની સામે કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. જો આગામી દિવસોમાં આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે કોર્ટમાં કેસ કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારાઈ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement