► મોટાભાગે આઈપીએલ વખતે જ મોટી લેતી-દેતી થતી હોવાથી પાછલી ટૂર્નામેન્ટના રેકોર્ડ પણ ચકાસાશે: જરૂર પડ્યે રાજકોટમાં પણ ગોઠવાશે ‘વૉચ’
રાજકોટ, તા.6 : ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ન જોવા મળ્યું હોય તેવું ક્રિકેટ સટ્ટાના હવાલા નેટવર્કનો પર્દાફાશ થયા બાદ બુકીઆલમમાં ખળભળાટ મચી ગયો છે. મુળ રાજકોટના અને હાલ દુબઈમાં સ્થાયી થઈ ગયા હોવાનું જેના વિશે કહેવાઈ રહ્યું છે તે રાકેશ રાજદેવના બે સાગ્રીતો દ્વારા ત્રણ જ મહિનાની અંદર 1414 કરોડ રૂપિયા જેટલી રકમ દુબઈ મોકલી દેવામાં આવી હોવાનું ખુલ્યા બાદ તેમજ ક્રાઈમ બ્રાન્ચમાં તે બન્ને સામે ગુનો નોંધાતાંની સાથે જ બન્ને ભૂગર્ભમાં ઉતરી ગયાનું જાણવા મળી રહ્યું છે. જો કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારે બન્નેની સઘન શોધખોળ ચાલી રહી છે.
બીજી બાજુ આ ખુલાસો થયા બાદ એ વાતે પણ જોર પકડી લીધું છે કે 1414 કરોડ જેટલી રકમ તો માંડ 10% જેટલી જ થવા જાય છે. અત્યાર સુધીમાં આ બન્ને દ્વારા હજારો કરોડો રૂપિયા દુબઈ મોકલી દેવામાં આવ્યા છે ! દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાકેશ રાજદેવ અને તેનો ખાસ માણસ ખન્ના દુબઈમાં હોવાની આશંકાને પગલે બન્ને સામે લુકઆઉટ નોટિસ ઈશ્યુ કરી દેવામાં આવી છે. આ મામલે અત્યારે દુબઈ પોલીસ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. દુબઈ પોલીસને આ અંગેના પૂરાવા પણ મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે જેથી જો રાકેશ રાજદેવ ત્યાં હોય તો તેનો કબજો લઈને તેને ભારતમાં લાવવા માટે મદદ મળી શકે.
ક્રિકેટસટ્ટાના 1414 કરોડ રૂપિયા હવાલા મારફતે દુબઈમાં મોકલવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર., ખન્ના, આશિક પટેલ, કર્મેશ પટેલ અને હરિકેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે કર્મેશ પટેલ અને હરિકેશ પટેલ દ્વારા ડમી ડોક્યુમેન્ટના આધારે એકાઉન્ટ ખોલાવી તેના મારફતે કરોડો રૂપિયા દુબઈ મોકલવામાં આવી રહ્યા હતા. આ બન્નેનું નામ ખુલતાં જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેની અત્યારે શોધખોળ ચાલી રહી છે અને બન્ને પકડાઈ ગયા બાદ આ મામલે મોટા ધડાકા-ભડાકા થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલાં ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના સોલા વિસ્તારમાં દરોડો પાડીને બુકી મેહુલ પુજારાની ધરપકડ કરી હતી.
મેહુલ પુજારા રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. સાથે સંડોવાયેલો હોવાનું ખુલતાં આ લોકો કેવી રીતે પૈસાની લેતીદેતી કરી રહ્યા હતા તેની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતાં ડમી એકાઉન્ટ મારફતે પૈસા મોકલવામાં આવી રહ્યાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ક્રિકેટ મેચ પર સટ્ટો રમવા માટે વૂલ્ફ777 ડૉટ કોમ નામની એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું અને આ એપ રાકેશ રાજદેવ દ્વારા બનાવવામાં આવી હોવાનું ખુલતાં સાયબર ક્રાઈમ અને એફએસએલના નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત રાકેશ રાજદેવનું રાજકોટ કનેક્શન હોવાની આશંકાને પગલે અહીં પણ વૉચ ગોઠવવામાં આવશે તેવું જાણવા મળે છે.