સાવધાન ! આર્ટીફીશીયલ સુગરથી હાર્ટએટેક-સ્ટ્રોકનો ખતરો વધે છે

02 March 2023 03:27 PM
Health India
  • સાવધાન !  આર્ટીફીશીયલ સુગરથી હાર્ટએટેક-સ્ટ્રોકનો ખતરો વધે છે

લાંબા વખત સુધી ઉપયોગ કરવા સામે નવા અભ્યાસ રીપોર્ટમાં લાલબત્તી

મુંબઇ : જો તમે ફિટ અને યુવાન છો અને તમને કોઈ જાતનો રોગ પણ નથી, તો તમે ખૂબ જ આરામથી મીઠી ચા પીતા હશો. પરંતુ ડાયાબિટીસ કે વધતા વજનથી પીડિત લોકોએ શુગરથી દૂર રહેવું પડે છે. તેમના માટે આર્ટિફિશિયલ સ્વીટનર જ એકમાત્ર વિકલ્પ છે. તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ શુગરનો ઉપયોગ બ્લડમાં શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

જોકે, ક્લિવલેન્ડ ક્લિનિકની નવી સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે જે લોકો આર્ટિફિશિયલ શુગરનો ઉપયોગ કરે છે તેનાથી હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. આ શોધપત્રને ‘નેચર મેડીસીન’માં પ્રકાશિત કરાયો છે.

એરિથ્રિટોલ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ઉપલબ્ધ એક લોકપ્રિય આર્ટિફિશિયલ સ્વીટનર છે. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે એરિથ્રિટોલ સ્વીટનરના લાંબા સમય સુધી ઉપયોગથી હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ રિસર્ચમાં અમેરિકા અને યુરોપના 4000 લોકોને સામેલ કરાયા હતા. તેમાં કેટલાક લોકો એવા હતા જેમને પહેલાથી જ હાર્ટ સંબંધી બીમારીઓનું જોખમ હતું. સંશોધકોએ આ સ્વીટનર શરીરમાં પહોંચ્યા પછી તેની અસરોનો નજીકથી અભ્યાસ કર્યો હતો.

રિસર્ચરોએ જણાવ્યું હતું કે રિસર્ચના પરિણામો દર્શાવે છે કે એરિથ્રિટોલ પ્લેટલેટ્સને સરળતાથી એક્ટિવ કરે છે અને લોહીના કલોટનું નિર્માણ કરે છે. તાજેતરના વર્ષોમાં એરિથ્રિટોલ જેવા સ્વીટનર ખૂબ જ પોપ્યુલર થયા છે, પરંતુ આ દિશામાં વધુ ઊંડાણપૂર્વક રિસર્ચ કરવાની જરૂર છે. ક્લિવલેન્ડ ક્લિનિક ખાતે રિસર્ચ ઇન્સ્ટીટયુટના એમડી અને ચેરમેન તથા રિસર્ચના લેખક સ્ટેનલી હેજને જણાવ્યું હતું કે, ‘એ સમજવું જરૂરી છે કે શુગરની જગ્યાએ આ ’આર્ટિફિશિયલ સ્વીટનર’નું સેવન કરવાથી લાંબા ગાળાની શું અસર થાય છે.‘

એરિથ્રિટોલ શુગરની જેમ જ 70 ટકા ગળ્યું હોય છે અને તેને કોર્નના ફર્મેન્ટેશનથી તૈયાર કરવામાં આવે છે. શરીરમાં પ્રવેશ્યા બાદ તે પેશાબ દ્વારા બહાર આવે છે. સ્ટડીમાં મુખ્યત્વે આ પ્રકારના આર્ટિફિશિયલ સ્વીટનરથી કલોટના જોખમ વિશે ચેતવણી આપવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement