નવી દિલ્હી તા.9
યાત્રીઓને આકર્ષિત કરવા માટે વિમાની કંપનીઓ જાત જાતની આકર્ષક ઓફર આપતી રહી છે. હવે ભારતીય વિમાની કંપનીઓ માત્ર કેબીન બેગ સાથે સફર કરનાર યાત્રીને સસ્તા દરે ટિકીટની ઓફર આપવાનું વિચારી રહી છે. આ યોજનાથી નાના વેપારી અને કોર્પોરેટ અધિકારીઓને ફાયદો થશે 40 ટકા ઘરેલુ મુસાફરોને પણ લાભ થશે.
ઓનલાઈન ટ્રાવેલ ઓપરેટરનાં એક અધિકારીના જણાવ્યા મુજબ હાલ ભારતીય વિમાની કંપનીઓ વિચારી રહી છે કે આ યોજના કયાં રૂટ પર શરૂ કરવામાં આવે. દેશની ઘરેલુ વિમાન કંપની ઈન્ડીગોનું કહેવુ છે કે તે આ યોજના પર વિચાર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ યોજનાનો સૌથી વધારે ફાયદો નાના અને મધ્યમ ઉદ્યોગોને થશે.ઈન્ડિગોનું કહેવુ છે કે યાત્રીઓને જરૂરિયાત પુરી કરવા માટે તે નિયમોમાં લચીલાપન લાવવા માટે સમયાંતરે સમીક્ષા કરતું રહેશે.
આ પહેલા વર્ષ 2017 માં આવી જ યોજના લાવવાનો પ્રયાસ થયો હતો. પણ તેમાં કંપનીઓને સફળતા નહોતી મળી. એવિએશન રેગ્યુલેટર ડાયરેકટર જનરલ ઓફ સિવીલ એવિએશને આ માંગને ફગાવી દીધી હતી. વર્ષ 2017 માં આ મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
ત્યારે અદાલતે એર લાઈન્સનાં પક્ષમાં ફેસલો સંભળાવ્યો હતો. હાલ મોટાભાગનાં ઘરેલુ રૂટો પર ઓછા ભાડામાં ઓફર 8 કિલોગ્રામ કેબીન બેગ અને 15-25 કિલોગ્રામવાળા ચેક-ઈન સામાન સુધી છે. કોઈપણ ભારતીય કંપની માત્ર કેબીન બેગ પર ભાડાની ઓફર નથી આપતી. જયારે અનેક દેશોમાં આ સુવિધા છે.