♦ એઈમ્સનો છ રાજયોમાં અભ્યાસ: ધુમ્રપાન કરનારામાં સંક્રમણ તથા તે ગંભીર બનવાનું જોખમ વધુ
નવી દિલ્હી,તા.10
સિગરેટ નથી પીતા પરંતુ સ્મોકીંગ કરનારાઓ સાથે રહો છો તો આપના માટે કોરોના વધુ ખતરનાક હોઈ શકે છે. ચોંકાવનારી આ જાણકારી એમ્સ ગોરખપુરના એ રિસર્ચમાં બહાર આવી છે. આ સ્ટડી 6 રાજયોમાં કરાઈ હતી. આ સ્ટડી પેસીવ સ્મોકીંગ અને કોરોનાની ગંભીરતા વચ્ચે લિંકને જાણવા માટે કરવામાં આવી હતી.
સ્ટડીમાં બહાર આવ્યું હતું કે, ઘર કે કામના સ્થળે સ્મોકર્સની સાથે રહેનારાઓમાં ગંભીર કોરોનાનો ખતરો વધુ રહે છે. પેસીવ સ્મોકીંગ કે સેકન્ડ હેન્ડ સ્મોક તેને કહે છે.જયારે આપ કોઈ સ્મોકીંગ કરનારા સાથે રહો છો. કારણ કે આ સ્થિતિમાં સિગરેટનો ધૂમાડો આપની અંદર પણ જાય છે.
એમ્સ ગોરખપુરની ડાયરેકટર ડો.સૂરેખા કિશોરે જણાવ્યું હતું કે, અમારા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, સ્મોકીંગ ન કરનારાઓની તુલનામાં સેકન્ડ હેન્ડ સ્મોકર્સ (સ્મોકીંગ કરનારાઓની સાથે રહેતા) માં કોરોનાનો ખતરો વધુ ગંભીર થઈ શકે છે.
રિસર્ચમાં એ પણ બહાર આવ્યું હતું કે, સ્મોકીંગથી કોરોના સંક્રમણની ગંભીરતા વધી જાય છે. સેકન્ડ હેન્ડ સ્મોકમાં 7 હજારથી વધુ કેમીકલ હોય છે.જેથી ફેફસાનું કેન્સર હૃદય સાથે જોડાયેલી બિમારી અને ફેફસા સાથે જોડાયેલી બીમારીઓ થઈ શકે છે અને એથી કોરોનાની ગંભીરતા વધી જાય છે.
આ સંશોધનમાં એ બહાર આવ્યું હતું કે જે લોકો ઘરમાં પેસીવ સ્મોકીંગનાં સંપર્કમાં આવે છે તેમનામાં કોરોનાથી ગંભીર થવાનો ખતરો નોન સ્મોકર્સની તુલનામાં 3.3 ગણો વધુ હોય છે. એજ રીતે જે લોકો વર્ક પ્લેસમાં સેકન્ડ હેન્ડ સ્મોકીંગના સંપર્કમાં આવે છે.તેમનામાં ગંભીર કોરોનાનો ખતરો 2.19 ગણો વધુ છે.