વડોદરા તા.10 : વડોદરા મહાનગરપાલિકા સંચાલીત સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં ઝુ કયેરેટર તથા સિકયુરીટી સુપરવાઈઝર હિપ્પોપોટેમસે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં બન્નેને નજીકમાં આવેલી નરહરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોસમ બદલાતા ઝુ કયુરેટર હિપ્પોપોટેમસના એન્કલોઝરમાં ચેકિંગ માટે ગયા હતા.
સૂત્રો અનુસાર પ્રાણી સંગ્રહાલયમાં ઝુ કયુરેટર પ્રત્યુશ પાટણકર ગુરુવારે બપોર બાદ પ્રાણી સંગ્રહાલયના વિવિધ પ્રાણીઓના એન્કલોઝરના ચેકિંગમાં નીકળ્યા હતા. તેઓ ચેકિંગમાં જતાં છંછેડાયેલા હિપ્પોપોટેમસે હુમલો કરીને ઘાયલ કર્યા હતા. તેમની સાથે સિકયુરિટી સુપરવાઈઝર રોહિતભાઈને પણ ઘાયલ કર્યા હતા. આ અંગેની સયાજીબાગના અન્ય કર્મચારીઓને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જઈને લોહીલુહાણ હાલતમાં પડેલા બન્નેને સારવાર માટે નજીકમાં જ આવેલ નરહરી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.
બનાવની જાણ થતા મ્યુનિ.કમિશ્ર્નર બંછાનીધિ પાની તથા વીએમસીના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા. પ્રત્યુશ પાટણકરને મલ્ટીપલ ફેકચર હોવાની તબીબોએ પ્રાથમિક વિગતો આપી છે. જયારે સિકયુરીટી સુપરવાઈઝરને લોહી ઘણું વહી ગયુ હોવાથી તેમની સ્થિતિ નાજૂક બતાવવામાં આવી રહી છે. આ ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ કરાશે.