ગુજરાતમાં H3N2 વાયરસની એન્ટ્રી: વડોદરામાં એક મહિલાનું મોત

14 March 2023 11:29 AM
Vadodara Gujarat Rajkot Saurashtra
  • ગુજરાતમાં H3N2 વાયરસની એન્ટ્રી: વડોદરામાં એક મહિલાનું મોત

◙ અમદાવાદ સહિતની સરકારી હોસ્પિટલમાં હવે નવા વાયરસના ટેસ્ટ માટેની તૈયારી

◙ તાવ-શરદીના સામાન્ય લક્ષણ બાદ ઈન્ફલુએન્ઝાનો વાયરસ હોવાનું બહાર આવ્યું: રાજયમાં એલર્ટ

રાજકોટ, તા.14
ગુજરાતમાં એક તરફ કોરોનાના વધતા કેસની ચિંતા છે તે સમયે જ રાજયમાં H3N2 વાયરસની એન્ટ્રી સાથે જ વડોદરામાં 58 વર્ષીય મહિલાનું આ વાયરસના કારણે મૃત્યુ થતા રાજય સરકાર એલર્ટ થઈ ગઈ છે. ભારતભરમાં ઈન્ફલુએન્ઝા વાયરસ એચ3એન2 ના કેસ વધી રહ્યા છે અને વડોદરામાં એસએસજી હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલા 58 વર્ષીય એક મહિલાને આ વાયરસનું સંક્રમણ હોવાનું બહાર આવ્યું હતું અને તેની સારવાર દરમ્યાન જ તેનું મૃત્યુ થયુ છે.

વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં રહેતા આ મહિલાને શરદી, ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણ હતા અને બાદમાં તેની સારવાર દરમ્યાન જ મૃત્યુ થતા હવે રાજય સરકારે આ પ્રકારના લક્ષણ ધરાવતા દર્દીઓને તાકીદે ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે અને રાજયની સરકારી હોસ્પિટલોમાં પણ એચ3એન2 વાયરસના ટેસ્ટ માટે વ્યવસ્થા શરૂ કરી છે.

આ વાયરસની અસરના કારણે દર્દી સામાન્ય શરદી કે તાવ સમજે તો તેને વધુ મુશ્કેલી થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં સીવીલ હોસ્પીટલમાં આ વાયરસના ટેસ્ટ અંગેની વ્યવસ્થા કરવા રાજય સરકારે આદેશ આપ્યો છે.

કોરોના જેવી જ તકેદારી જરૂરી
આ વાયરસની અસરને ટાળવા માટે ભીડભાડવાળી જગ્યાએ ન જવું, હાથ મીલાવવાથી દૂર રહેવું, માસ્ક પહેરવો, સામાન્ય ખાંસી, તાવ અને શરદી હોય તો તેને નજરઅંદાજ ન કરવી અને શકય હોય ત્યાં સુધી ટેસ્ટ કરાવી લેવો.


Related News

Advertisement
Advertisement
Advertisement