નવી દિલ્હી: દેશમાં કોરોનાકાળ સમયે પાછી ખેચાયેલી રેલવે પ્રવાસમાં સીનીયર સીટીઝન માટેની ટિકીટમાં ખાસ કન્સેશન ફરી આપવા કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે. રેલવે સાથે જોડાયેલી સંસદીય સમીતીએ એવું તારણ આપ્યું કે દેશમાં કોવિડ બાદની સ્થિતિનો હવે અંત આવ્યો છે.
રેલવેની આવક પણ પુન: સામાન્ય સ્તર પર આવી ગઈ છે અને તેની સીનીયર સીટીઝનને જે રેલવે ટિકીટ પર 50%ની છૂટ કોરોના સમય પુર્વે અપાતી હતી તે પુન: બહાલ કરવી જરૂરી છે. રેલવે દ્વારા તમામ વયસ્ક નાગરિકોને મેલ-એકસપ્રેસ-રાજધાની, શતાબ્દી, દૂરન્તો સહિતની ટ્રેનમાં તમામ શ્રેણીની મુસાફરીમાં 60 વર્ષથી વધુ વયના પુરુષોને ટિકીટમાં 40% અને 58 વર્ષથી વધુ વયના મહિલાને ટિકીટમાં 50% રાહત આપતી હતી.
પરંતુ 20 માર્ચ 2020થી કોરોના લોકડાઉન સાથે આ છૂટ પાછી ખેચાઈ હતી. હવે ભાજપના સાંસદ રાધામોહનસિંહના અધ્યક્ષપદ હેઠળની સંસદીય કમીટીએ આ રાહત પુન: આપવા માટે કેન્દ્રને ભલામણ કરી છે. સમીતીનું તારણ છે કે રેલવે હવે કોવિડકાળની પરીસ્થિતિમાંથી બહાર આવી ગયુ છે.
તેની આવક ફરી સામાન્ય સ્તર પર પહોંચી ગઈ છે તેથી સીનીયર સીટીઝનને જે સુવિધા મળે છે તે પુન: ઉપલબ્ધ કરાવવી જોઈએ. જો કે અગાઉ રેલવેએ દલીલ કરી હતી કે યાત્રી ભાડામાં અગાઉથી જ ખરેખર ખર્ચ કરતા ઓછા ટિકીટ દર છે અને રેલવે આડકતરી રીતે 50-55% સબસીડી આપી રહી છે.