મુંબઈ, તા.15
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટસને વિમેન્સ પ્રિમીયર લીગના 12મા મુકાબલામાં 55 રને હરાવીને પ્લેઑફ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ સાથે જ મુંબઈએ ટૂર્નામેન્ટમાં ‘અજેય’ રહેતાં સળંગ પાંચમી જીત હાંસલ કરી છે.
ગુજરાતની કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. જવાબમાં મુંબઈએ પહેલાં બેટિંગ કરતાં આઠ વિકેટે 162 રન બનાવ્યા હતા. મુંબઈ માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે માત્ર 30 બોલમાં સાત ચોગ્ગા, બે છગ્ગાની મદદથી 51 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.
આ ઉપરાંત યાસ્તીકા ભાટિયાએ 44 તો નેટ સાઈવર બ્રન્ટે પણ 36 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં ગુજરાત વતી સૌથી સફળ બોલર એશ્લે ગાર્ડનર રહી હતી જેણે ચાર ઓવરમાં 34 રન આપીને ત્રણ તો કીમ ગાર્થ, સ્નેહ રાણા અને તનુજા કંવરે એક-એક વિકેટ મેળવી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ ઉપર પ્રથમ ઓવરથી જ મુંબઈએ દબાણ લાવવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે ગુજરાતની એક પછી એક વિકેટ પડવા લાગી હતી જેના કારણે 163 રનના જવાબમાં ગુજરાત 20 ઓવરમાં નવ વિકેટે 107 રન જ બનાવી શક્યું હતું અને મુંબઈનો 55 રને વિજય થયો હતો.
ગુજરાત વતી સૌથી વધુ 33 રન હરલીન દેઓલે બનાવ્યા તો મુંબઈ વતી બોલિંગમાં નેટ સાઈવર બ્રન્ટે ચાર ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી. આવી જ રીતે હેલી મેથ્યુઝે પણ ત્રર તો અમેલિયા કેરને બે અને ઈસ્સી વોંગને એક સફળતા સાંપડી હતી.