સિરપના નામે નશાનો કારોબાર : 13338 બોટલો ઝડપાઈ

15 March 2023 11:33 AM
kutch Crime Rajkot
  • સિરપના નામે નશાનો કારોબાર : 13338 બોટલો ઝડપાઈ

► શિતલ પાર્ક નજીક રહેતા મિતેશપરી ગોસાઈની ધરપકડ, કચ્છના આદિપુર રહેતા તેના મેડિકલ સંચાલક બનેવી સમીર ગોસ્વામીએ ટ્રાન્સપોર્ટ મારફત માલ મોકલ્યાની કબૂલાત

► એસઓજી પીઆઈ જે.ડી. ઝાલાની ટીમનો દરોડો, એએસઆઈ ડી.બી.ખેરની બાતમીના આધારે કાર્યવાહી: રૈયા રોડ પર ભાડાના મકાનમા બે મહિનાથી સિરપનો જથ્થો છુપાવ્યો’તો, રૂ.23 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ, તા.15
: રાજકોટમાં શહેર એસઓજીની ટીમે એક રહેણાંક મકાનમાંથી નશાકારક કફ સીરપની 13338 બોટલો ઝડપાઈ હતી. જેમાં એક શખ્સની ધરપકડ કરાઈ છે જ્યારે કચ્છના મેડિકલ સંચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. આદિપુરમાં બસ સ્ટેશન સર્કલ પાછળ રહેતા સમીર ગોસ્વામીએ તેના રાજકોટ રહેતા સાળા મિતેશપરી રાજેશપરી ગોસાઈ (ઉ.વ.29, રહે. શિતલ પાર્ક નજીક હિંમતનગર શેરી નં.5, રાજકોટ)ને ટ્રાન્સપોર્ટ મારફત માલ મોકલ્યો હતો. મિતેશ અહીં સ્થાનિક ગ્રાહકોને માલની ડિલિવરી કરતો હતો. રૈયા રોડ પર ભાડાના મકાન બે મહિનાથી સીરપનો જથ્થો છુપાવ્યો હતો. જે 23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયો છે.

આ અંગે એસઓજી સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી સૌરભ તોલંબિયા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયાની સૂચનાથી એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા અને તેમની ટીમ નશાકારક પદાર્થની હેરફેર અટકાવવા કામગીરીમાં હતી. દરમિયાન શહેર એસઓજીના એએસઆઇ ડી.બી.ખેરને બાતમી મળી હતી કે રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્ક શેરી નં.7માં આવેલ એક મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સીરપની બોટલોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે અને મિતેશ નામનો શખ્સ આ જથ્થાનું બિનઅધિકૃત રીતે વેચાણ કરે છે. બાતમીના આધારે એસઓજી ટીમે દરોડો પાડતા મકાનના રૂમમાંથી 13338 કફ સીરપની બોટલો મળી આવેલ હતી. આ જથ્થાની કિંમત રૂા. ર3,07,900 ગણી કબ્જે કરાઇ હતી.

એફએસએલ અધિકારી વાય.એચ.દવે અને ડ્રગ્સ ઇન્સ્પેકટર તેજલબેન મહેતાએ સ્થળ પર આવી કફ સીરપની બોટલો અંગે ખરાઇ કરી હતી. એસઓજીના પીઆઇએ યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સ્થળ પર હાજર મળી આવેલ મિતેશની પુછપરછ કરતા જાણવા મળેલ કે આ સીરપનો જથ્થો કચ્છના સમીર ગોસ્વામીએ ટ્રાન્સપોર્ટ મારફત મોકલાવ્યો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સમીરના પત્ની મિતેશના મામાના દિકરી હોય એ સંબંધે મિતેશ બનેવી સમીરે મોકલેલા સીરપને ગ્રાહકની ડીલીવરી આપવાનું કાર્ય કરતો હતો. આ કામગીરીમા એસઆઇ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, કોન્સ્ટેબલ કિશોરભાઇ ઘુઘલ, મુકેશભાઇ ડાંગર, ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ જાડેજા વગેરે પણ ફરજ પર રહ્યા હતા.

મિતેશ શેર દલાલી અને એકાઉન્ટનો ધંધો કરે છે, બનેવી સમીરને ફકત મદદ કરાવતો હોવાનું રટણ!
સમીરના પત્ની મિતેશના મામાના દીકરી હોવાના નાતે મિતેશ સમીરનો સાળો થાય મિતેશ આવેલી વિગત મુજબ તે નાણાવટી ચોકમાં જાસલ કોમ્પ્લેક્ષમાં શેર દલાલી, જીએસટી એકાઉન્ટ સહિતની કામગીરી કરે છે બનેવી સમીરને મેડિકલ છે જેથી રાજકોટ ખાતે સીરપનો જથ્થો સ્ટોક કરવા મિતેશ મારફત રૈયારોડ પર મકાન ભાડે રખાવ્યું હતું.પછી જયારે બનેવી કરે ત્યારે સાળો જેતે ગ્રાહકને ડિલીવરી આપવા એ બે મકાને જતો અને માલ કાઢી આપતો હતો મિતેશના રાણ મુજબ આ કામમાં તેને કોઈ રૂપિયા નહોતા મળતા તે ફકત બનેવીને મદદ કરાવતો હતો.જો કે પોલીસે મિતેશનો ફોન કબ્જો કરી કયાં કયાં ગ્રાહકોના સંપર્કમાં તે હતો. કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે.

બે ઢાંકણા જેટલા પ્રમાણના સીરપમાં સોડા ઉમેરવાથી ખતરનાક નસીલો પદાર્થ બની જાય
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ સીરપમાં ખુબ જ ખતરનાક નશો ચડે છે. આનુ સેવન કરતા લોકો ફકત બે ઢાંકણા જેટલા પ્રમાણમાં સીરપ લ્યે છે અને પછી તેમા સોડા ઉમેરી તેનો નશો કરે છે. આ સિરપમાં કોડીન ફોસફેરેટનું પ્રમાણ છે. કોડીન અફીણના રસમાંથી મેળવાતું ઘેન લાવનાર શામક કેફી ઔષધ કહેવાય છે. તાજેતરમાં નશાના રવાડે ચડેલા તત્વો આ ઔષધના સીરપનો નશો કરવા ઉપયોગ કરતા હોવાનું પ્રમાણ વધતા પોલોસે આની હેરાફેરી પર ખાસ નજર રાખી છે. આવા સીરપ બનાવતી કંપનીઓ પણ ડ્રગ્સ લાયસન્સ અને જીએસટી ધરાવતી ફાર્મા પેઢીને જ વેચાણ કરે છે. જો કે, સમીરે આ સીરપનો જથ્થો કોની પાસેથી મંગાવ્યો તે અંગે તે પકડાયા બાદ વધુ વિગત મળી શકે છે.

કચ્છના સમીરને મવડીમાં અપેક્ષા મેટ્રીકસ નામે ફાર્મા પેઢી છે, ઓફિસ બંધ જ રહેતી હોય ડ્રગ્સ લાયસન્સ કેન્સલ થયેલું
રાજકોટ: એસઓજીના દરોડા બાદ તપાસમાં ખુલ્યુ હતું. હતું કે, કફ સીરપ મોકલનાર સમીર આદિપુર રહે છે. જો કે તે રાજકોટમાં મવડી મેઈન રોડ પર કોપર માર્કેટ બિલ્ડીંગમાં ઓફિસ રાખી અપેક્ષા મેટ્રીકસ નામે ફાર્મા પેઢી ધરાવે છે. ડ્રગ્સ ઈન્સ્પેકટરના જણાવ્યા મુજબ સમીરની આ પેઢીનું ડ્રગ્સ લાયસન્સ હતું પરંતુ જયારે પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તપાસ માટે જતી ત્યારે આ પેઢી સતત બંધ જ રહેતી હોવાનું જણાતા તેનું ડ્રગ્સ લાયસન્સ રદ કરાયું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement