મેડિકલેમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી : કન્ઝયુમર ફોરમનો ગ્રાહકની તરફેણમાં ચુકાદો

15 March 2023 11:46 AM
Vadodara Gujarat
  • મેડિકલેમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી : કન્ઝયુમર ફોરમનો ગ્રાહકની તરફેણમાં ચુકાદો

દર્દી 24 કલાક હોસ્પિટલમાં દાખલ ન હતા તેવું બહાનુ ધરી વીમા કંપનીએ રકમ ન ચુકવતા મામલો વડોદરા કન્ઝયુમર ફોરમમાં ગયેલો

વડોદરા, તા.15 : મેડિકલ ઈન્શ્યોરન્સને લગતા કેસમાં વડોદરા કન્ઝયુમર ફોરમે મોટો ચુકાદો આપ્યો હતો. ફોરમના જણાવ્યા અનુસાર મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે જરૂરી નથી કે કોઇ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોય અથવા તેને માત્ર 24 કલાક માટે જ દાખલ કરવામાં આવે. ગ્રાહક ફોરમ તરફથી મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને દર્દીને ચૂકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગેની વિગત મુજબ વડોદરામાં રમેશચંદ્ર જોશીએ નેશનલ ઈન્સ્યોરન્સ કંપની સામે 2017માં કન્ઝયુમર ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.

જોશીએ દાવો કર્યો હતો કે તેમની પત્નીને 2016માં ડર્મેટોમાયોઝાઇટિસ થયો હતો અને તેમને અમદાવાદના લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોશીની પત્નીને સારવાર બાદ બીજા દિવસે રજા આપવામાં આવી હતી. જોશીએ કંપનીને 44468 રૂપિયાનું બિલ ચૂકવવાનું કહ્યું હતું. પરંતુ વીમા કંપનીએ જોશીના દાવાને નકારી કાઢ્યો હતો. તેની સામે જોષીએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. વીમા કંપનીએ કલમ 3.15 ટાંકીને જોશીની અરજી નામંજૂર કરી હતી. કંપનીની દલીલ એવી હતી કે દર્દીને સતત 24 કલાક સુધી દાખલ કરવામાં આવ્યો ન હતો.

ત્યારબાદ જોશીએ તબીબી વીમા કંપની સામે ગ્રાહક મંચનો સંપર્ક કર્યો. તેમણે ફોરમ સમક્ષ તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની પત્નીને 24 નવેમ્બરના રોજ સાંજે 5.38 વાગ્યે દાખલ કરવામાં આવી હતી. જ્યારે 25 નવેમ્બર, 2016ના રોજ સાંજે 6.30 વાગ્યે તેમને રજા આપવામાં આવી હતી. ફોરમે કહ્યું કે, ભલે એવું માની લેવામાં આવે કે દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, તે તબીબી વીમા માટેના દાવાની હકદાર છે. ફોરમ વીમા કંપનીને ફરિયાદીને વીમાની રકમ ચુકવી દેવાનો આદેશ આપ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement