(કેશુભાઈ માવદીયા દ્વારા) માધવપુર તા.15 : પોરબંદર જિલ્લાના અતિ પછાત માધવપુર (ઘેડ) ગામે છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થા ખાડે જતાં અસામાજીક તત્વોને મોકળુ મેદાન મળ્યું છે. વાહનો પણ પુરપાટ ઝડપે દોડતા તેને નાથવા પોલીસ તંત્ર વામળુ પુરવાર થતાં ગ્રામજનો પરેશાની વેઠી રહ્યા છે.
પોરબંદર સહિત ગુજરાતભરમાં બીયરનાં વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં માધવપુર ગામે બંદર રોડ પર સાઈડમાં સાગર શાળા પાસે પાનમાવાની દુકાનોમાં જાહેરમાં રૂા.100માં બિયરની બોટલ, ટીન વેચાઈ રહ્યા છે. સગીર વયના બાળકોને તમાકુ ગુટખા આસાનીથી મળી રહી છે તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નહી થતા આ બાબતે જિલ્લા પોલીસ વડાને લેખીત રજુઆત થયાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત દરીયાકાંઠેથી ટન બંધ માછીમારીમાં બાગા નામની માછલીની રીક્ષા-બોલેરોમાં હેરાફેરીમાં વાહનો વણકરવાસમાંથી પુરપાટ ઝડપે પસાર થતા હોય તેમના પર પોલીસનું કોઈ અંકુશ નહી હોવાથી ગંભીર અકસ્માત સર્જાય તેવી દહેશત ફેલાઈ છે.