મુંબઈ, તા.16
સળંગ પાંચ હાર બાદ અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વિમેન્સ પ્રિમીયર લીગમાં પહેલી જીત નસીબ થઈ છે. ડી.વાય.પાટિલ સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં યૂપી વોરિયર્સને ટીમે 19.3 ઓવરમાં 135 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકને બેંગ્લોરે બે ઓવર પહેલાં પાંચ વિકેટે ગુમાવીને હાંસલ કર્યો હતો.
પાંચમા નંબરે ઉતરેલી કનિક આહૂજા જો 30 બોલમાં 46 રન ન બનાવી શકી હોત તો બેંગ્લોર માટે આ જીત પણ શક્ય નહોતી કેમ કે એક સમયે તેણે 60 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઋચા ઘોષે 32 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી. યૂપી માટે દીપ્તી શર્માએ બે વિકેટ ખેડવી હતી. સોફી ડિવાઈન (14 રન)ના પહેલી ઓવરમાં આઉટ થયા બાદ કેપ્ટન સ્મૃતિ મંધાના પણ આગલી ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ હતી. ત્રીજા નંબરે આવેલી એલિસ પેરી પણ 10 રને આઉટ થઈ હતી. 43 રને ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ હીથર નાઈટ અને કનિકા આહુજાની જોડીએ ટીમને સંભાળી હતી.
આ પહેલાં ગ્રેસ હેરિસ (46 રન) અને દીપ્તી શર્મા (22 રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 69 રનની ભાગીદારીથી યૂપી વોરિયર્સે અત્યંત ખરાબ શરૂઆતમાંથી બહાર આવીને 135 રન બનાવ્યા હતા. વોરિયર્સની ટીમ નવમી ઓવરમાં 31 રન બનાવીને સંઘર્ષ કરી રહી હતી પરંતુ હેરિસ અને દીપ્તીએ ત્યારબાદ આક્રમક બેટિંગ કરી ટીમને વાપસી કરાવી હતી.