WPL 2023 : ગુજરાતે ‘જાયન્ટ’ દિલ્હીને હરાવી કર્યો ઉલટફેર: ટૂર્નામેન્ટનો સૌથી નાનો સ્કોર બચાવી મેળવી જીત

17 March 2023 09:34 AM
India Sports Woman World
  • WPL 2023 : ગુજરાતે ‘જાયન્ટ’ દિલ્હીને હરાવી કર્યો ઉલટફેર: ટૂર્નામેન્ટનો સૌથી નાનો સ્કોર બચાવી મેળવી જીત

એશ્લે ગાર્ડનર-લૌરા વુલફાર્ટની ફિફટીની સાથે બન્ને વચ્ચે થયેલી 81 રનની ભાગીદારી દિલ્હી માટે બની હારનું કારણ: ગુજરાતના 147 રનના જવાબમાં અત્યંત મજબૂત ગણાતી દિલ્હી માત્ર 136 રન જ બનાવી શકી

મુંબઈ, તા.17
વિમેન્સ પ્રિમીયર લીગમાં ગુજરાત જાયન્ટસે બીજી જીત હાંસલ કરી છે. પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે રહેલી ગુજરાતે બીજા ક્રમની દિલ્હીને 11 રને પરાજય આપ્યો છે. બ્રેબોન સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં ગુજરાતે ચાર વિકેટે 147 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હી 136 રન જ બનાવી શક્યું હતું. આ સાથે જ છ મેચમાં ગુજરાતની બીજી જીત તો દિલ્હીની બીજી હાર છે. જ્યારે ટૂર્નામેન્ટમાં ડિફેન્ડ કરાયેલો સૌથી નાનો સ્કોર પણ છે.

લૉરા વુલફાર્ટ અને એશ્લે ગાર્ડનરની ફિફટીની મદદથી ગુજરાતે ધીમી શરૂઆતમાંથી બહાર આવતાં ચાર વિકેટે 147 રન બનાવ્યા હતા. વુલફાર્ટે 45 બોલમાં 57 રન બનાવ્યા તો ગાર્ડનરે 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. આ બન્નેએ ત્રીજી વિકેટ માટે 81 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ ઉપરાંત હરલીન દેઓલે 33 બોલમાં 31 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી જેસ જૉનાસને 38 રન આપીને બે વિકેટ ખેડવી હતી.

ટૉસ હાર્યા બાદ પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે પાવરપ્લેની છ ઓવરમાં સોફિયા ડંકલે (ચાર રન)ની વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા હતા. એકંદરે દિલ્હીની ચુસ્ત બોલિંગ સામે ગુજરાતના બેટરોએ રન બનાવવા માટે રીતસરનો સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે વુલફાર્ટ અને ગાર્ડનરે ધીમી પરંતુ મક્કમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું અને ટીમને 147 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

આમ જોવા જઈએ તો દિલ્હી સામે આ લક્ષ્યાંક મુશ્કેલ નહોતો પરંતુ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવીને તેણે સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી હતી. દિલ્હીએ પહેલી 10 ઓવરમાં 78 રન બનાવ્યા સાથે સાથે ચાર વિકેટ પણ ગુમાવી હતી. તેના તમામ સ્ટાર બેટરોએ રનોનું યોગદાન તો આપ્યું હતું પરંતુ લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં નિષ્ફળતા સાંપડતાં મેચ ગુમાવવાનો વખત આવ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement