નવીદિલ્હી, તા.17
બેડમિન્ટનની રમતમાં વર્લ્ડ નંબર 16 ત્રેસા જૉલી અને ગાયત્રી ગોપીચંદ પુલેલાની જોડી સતત બીજા વર્ષે ઑલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપના વિમેન્સ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. 20 વર્ષીય ગાયત્રી અને 19 વર્ષીય ત્રેસાએ બર્મિંઘમમાં પૂર્વ વર્લ્ડ નંબર વન અને પૂર્વ ઑલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન જાપાનની યુકી ફુકુશિમા અને સયાકા હિરોટાની જોડીને પરાજિત કરી છે.
ભારતની યુગલ જોડીએ બર્મિંઘમમાં બીજા તબક્કાની મેચમાં ફુકુશિમા-હિરોટાની જાપાની જોડીને 21-14, 24-22થી પરાજય આપ્યો છે. 50 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં ભારતીય જોડી શરૂઆતથી જ હાવિ રહી હતી. ત્રેસા-ગાયત્રીની જોડીએ પાછલા વર્ષે સેમિફાઈનલ સુધીની સફર ખેડી હતી જ્યાં તેને ચીનની ઝાંગ શક્સિયન અને ઝેન યૂ સામે હારીને બહાર થવું પડ્યું હતું.
બીજી બાજુ ચેમ્પિયનશિપના પ્રથમ તબક્કામાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર જોડીને હારનો સામનો કરવો પડ્યો છે. આ જોડીને ચીનના લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગે 21-10, 17-21, 19-21થી હરાવી છે. પાછલા વર્ષે આ જોડી ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. જ્યારે આ વર્ષ બન્ને માટે યોગ્ય રહ્યું નથી. ઈન્ડિયા ઓપનમાં સાત્વિકની જાંઘમાં ઈજા પહોંચી હતી જેના કારણે જોડીએ બહાર થવું પડ્યું હતું. આ પછી બન્નેએ ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં ભાગ લીધો નહોતો.
ઉલ્લેખનીય છે કે, ભારત વતી અત્યાર સુધીમાં માત્ર બે જ વખત ખેલાડીઓ જીતી શક્યા છે. ભારતને 22 વર્ષથી ખીતાબની આશા રહેલી છે. છેલ્લે આ ખીતાબને ફુલેલા ગોપીચંદે 2001માં જીત્યો હતો. ગોપીચંદ પહેલાં આ ખીતાબ પ્રકાશ પાદુકોણે વર્ષ 1980માં જીત્યો હતો. જો કે પી.વી.સિંધુ વર્ષ 2015 અને લક્ષ્ય સેન 2022માં ટૂર્નામેન્ટના ફાઈનલ સુધી પહોંચી ચૂક્યા છે પરંતુ જીતી શક્યા નથી.