અંબાજી તા.17 : યાત્રાધામ અંબાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ 15 દિવસ પછી ફરી એકવાર મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.મંદિરના પ્રસાદી ગૃહમાં આજે મોહનથાળના 10 ઘાણ બનાવવાની સૂચના આપવામાં આવી છે.
જેને કારણે 3250 કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર થઈ જશે.પ્રસાદના એક ઘાણમાં 100 કિલો બેસનનો કકરો લોટ, 75 કિલો શુદ્ધ ઘી, 150 કિલો ખાંડ, 17.500 લીટર દુધ અને 200 ગ્રામ ઈલાયચીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.શુધ્ધતાને સ્વસ્છતા સાથે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ તમામ પ્રસાદ બનાવ્યા બાદ સાંજે પેકીંગ કરવામાં આવશે.જેમાં 100 ગ્રામનાં 32000 જેટલા પેકેટ તૈયાર કરાશે અને મંદિર ટ્રસ્ટનાં પ્રસાદી કેન્દ્ર ઉપર યાત્રીકોને વિતરણ કરવામાં આવશે.આ મોહનથાળનો પ્રસાદ શ્રધ્ધાળુઓને આજથી મંદિરના પ્રસાદ કેન્દ્ર ઉપરથી મેળવી શકશે.જોકે મંદિરની ગાદી ઉપર આ મોહનથાળનો પ્રસાદ બુધવારથી જ વેચાણમાં શરૂ કરી દેવામાં આવ્યો હતો.