અમદાવાદ: કચ્છના રાપરના સાની ગ્રામ પંચાયતના સરપંચને બે થી વધુ (ત્રણ) સંતાનો હોવાના લીધે સરપંચના હોદ્દા પરથી દૂર કરી દેવાનો વિવાદ હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. આ મામલે સિંગલ જજે અરજદાર સરપંચને કાયદા હેઠળ મળેલા અન્ય વિકલ્પો મુજબ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો અને શા માટે તેમણે સીધા હાઈકોર્ટમાં પીટીશન કરી એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. સિંગલ જજના આ ચુકાદા સામે સરપંચ દ્વારા હાઈકોર્ટની ડિવિઝન બેંચમાં અપીલ કરવામાં આવી છે. જેમાં લંબાણપૂર્વકની સુનાવણીના અંતે એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટીસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે અપીલ દાખલ કરી છે.
સરપંચના હોદ્દા પરથી દૂર કરાયેલા અરજદાર મનસુખભાઈ માંજેરીએ હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી છે. જેમાં તેમના તરફથી ઉપસ્થિત એડવોકેટ દ્વારા અપીલમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદારને-સરપંચને દૂર કરવાનો નિર્ણય સંબંધીત ઓથોરિટી સમક્ષ અપીલ કરવાને પાત્ર તો છે, પરંતુ અમારી દલીલ અન્ય પ્રકારની છે. ગુજરાત પંચાયત એકટની ધારા 32(2) સરપંચને લાગુ પડતી નથી.
કેમકે, સરપંચ કોઈ પણ ગ્રામ પંચાયતનો એકસ ઓફિશિયો (પદના લીધેલો બનેલો) મેમ્બર હોય છે, તે મેમ્બર હોતો નથી. હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, તમે ઓથોરિટીના આદેશ સામે અપીલ કરી જ શકો છો. શું તમે એવું કહેવા માંગો છો સરપંચને બે થી વધુ સંતાન હોય તો તેને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં. ત્યારબાદ અરજદાર દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લેતાં હાઈકોર્ટે અપીલ દાખલ કરી હતી અને કેસની સુનાવણી આ જ પ્રકારની અન્ય અપીલ સાથે ટેગ કરીને 24મી એપ્રિલે વધુ સુનાવણી રાખી છે.