આલેલે...રાજસ્થાનમાં વિશાળ જનરલ સ્ટોર ધરાવતાં વેપારીએ ફ્લાઈટમાંથી રાજકોટના આર્કિટેક્ટનો આઈફોન ચોરી લીધો !

17 March 2023 05:06 PM
Rajkot Crime
  • આલેલે...રાજસ્થાનમાં વિશાળ જનરલ સ્ટોર ધરાવતાં વેપારીએ ફ્લાઈટમાંથી રાજકોટના આર્કિટેક્ટનો આઈફોન ચોરી લીધો !

ચોરીની ફરિયાદ નોંધાતાં જ તમામ પેસેન્જરોનું લિસ્ટ મેળવ્યું, જો કે તેમાં સફળતા નહીં મળતાં લોકેશન કઢાવતાં ફોન ગાંધીગ્રામમાં પડ્યો હોવાનું ખુલતાં ક્રાઈમ બ્રાન્ચે અનેક શેરીઓ ખુંદી નાખ્યા બાદ ‘કોરોના ટેસ્ટીંગ ટીમ’ બનીને વેપારીને પકડ્યો

રાજકોટ, તા.17
સામાન્ય રીતે ટ્રેન-બસ કે અન્ય વાહનમાંથી મોબાઈલ ફોનની ચોરી થયાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ગયા હશે પરંતુ ફ્લાઈટમાંથી મોબાઈલની ચોરી થાય એટલે સનસનાટી મચી જવી સ્વાભાવિક છે. આવો જ એક કિસ્સો ગત 10 માર્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીથી રાજકોટ આવેલા આર્કિટેક્ટ સાથે બન્યો હતો.

પ્લેન લેન્ડીંગ થતાં તેના વાયબ્રેશનન કારણે રાજકોટમાં રહેતા આર્કિટેક્ટનો આઈફોન નીચે પડી ગયો હતો જે ઘણો બધો શોધવા છતાં નહીં મળતાં આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બીજી બાજુ ફ્લાઈટમાંથી મોબાઈલની ચોરી થતાં ખુદ પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે આ મોબાઈલ શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચને દોડાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક એક્શનમાં આવી જઈને ફોનની શોધખોળ શરૂ કરી દેતાં તેમાં સફળતા સાંપડી જ છે સાથે સાથે રાજસ્થાનમાં વિશાળ જનરલ સ્ટોર ધરાવતો વેપારી પણ પકડાઈ ગયો છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોટામવામાં અર્જુન પાર્ટીપ્લોટ પાસે આવેલા સવન સ્ટેટસ ફ્લેટ નં.601માં રહેતા અને વ્યવસાયે આર્કિટેક્ટ એવા ભાર્ગવ મનસુખભાઈ કોટડિયા (ઉ.વ.31)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.10-3-2023ના રોજ સાંજે પાંચ વાગ્યા આસપાસ તેઓ દિલ્હીથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રાજકોટ આવી રહ્યા હતા.

ત્યારે તેમણે પોતાનો ફોન બન્ને પગ વચ્ચે સીટ ઉપર રાખ્યો હતો. સાંજે સાતેક વાગ્યા આસપાસ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થતી હતી ત્યારે લેન્ડીંગ દરમિયાન ફ્લાઈટમાં થયેલા વાયબ્રેશનના કારણે ફોન સીટ પરથી નીચે કાર્પેટ ઉપર પડી ગયો હતો જેથી તેઓ ફોન લેવા ઉભા થતાં એર હોસ્ટેસે તેમને બેસી જવા કહ્યું હતું કેમ કે ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ પછી ફ્લાઈટ લેન્ડ થઈ ગયા બાદ ફોનની શોધખોળ શરૂ કરતાં મળી આવ્યો નહોતો જેથી ફોન ચોરાઈ ગયો હોવાનું ખુલ્યું હતું.

આ ઘટનાની ફરિયાદ નોંધાતાં ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ હતી અને પીએસઆઈ એ.એસ.ગરચર, હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ચૌહાણ તેમજ એભલભાઈ બરાલિયા સહિતના સ્ટાફે શોધખોળ શરૂ કરી દીધી હતી. સૌથી પહેલાં ક્રાઈમ બ્રાન્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવેલા તમામ મુસાફરોનું લિસ્ટ મેળવ્યું હતું. જો કે તેમાં ધારી સફળતા નહીં મળતાં તેમણે ખોવાઈ ગયેલા આઈફોનનું લોકેશન ટ્રેસ કરાવ્યું હતું. સદ્ભાગ્યે આઈફોન સ્વિચ ઑફ થયા બાદ 24 કલાક સુધી તેનું લોકેશન ટ્રેસ થઈ શકતું હોવાથી તેને ટ્રેસિંગ કરાતાં જ આ ફોન ગાંધીગ્રામમાં પડ્યો હોવાનું ખુલ્યું હતું.

આ પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગાંધીગ્રામ વિસ્તાર ખુંદવાનું શરૂ કર્યું હતું. અંદાજે ચારેક શેરીમાં તલાશી લીધા બાદ ફોનનું લોકેશન જ્યાંનું મળી આવ્યું હતું તે મકાન મળતું નહોતું. આ પછી હનુમાન મઢી પાસે રાજહંસ સોસાયટી શેરી નં.4માં આવેલા મારૂતિ મકાનમાં પોલીસ પહોંચી જ્યાં ફોન પડ્યાનું સામે આવ્યું હતું. અહીં પૂછપરછ કરતાં રાજસ્થાનથી કોઈ વ્યક્તિ અહીં આવ્યાનું કહેવાતાં જ પોલીસની શંકા દૃઢ બની ગઈ હતી.

જો કે ફોન લઈ લેનાર વ્યક્તિ હાજર ન હોવાથી પોલીસે પોતે કોરોના ટેસ્ટીંગ માટે આવી હોવાનું કહી ગેરહાજર વ્યક્તિ આવે ત્યારે તેમને ફોન કરવા માટે કહ્યું હતું. જેવી રાજસ્થાનની વ્યક્તિ આવી કે તુરંત જ પોલીસને ફોન આવ્યો હતો અને પોલીસે દોડી જઈને મુળ રાજસ્થાની એવા નિર્મલકુમાર રાધેશ્યામ ગુપ્તા (ઉ.વ.56)ને પકડી લીધા હતા અને તેમના કબજામાંથી મોબાઈલ કબજે કર્યો હતો.

પૂછપરછમાં નિર્મલકુમારે જણાવ્યું કે તેમના જમાઈ ઉપરોક્ત વિસ્તારમાં રહે છે અને તેણે તેમને અહીં સાસણ-ગીરની સહેલગાહ માણવા માટે બોલાવ્યા હોવાથી તેઓ ફ્લાઈટ મારફતે રાજકોટ આવ્યા હતા. જો કે આ ફોન તેમણે નહીં બલ્કે તેમની સાથે રહેલા બાળકોએ બેગમાં મુક્યો હોવાની કબૂલાત તેમણે આપી હતી.


Related News

Advertisement
Advertisement