રાજકોટિયન્સને મોબાઈલનું જબરદસ્ત વ્યસન: 23% લોકોને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહીને ફોન જોવાની ટેવ !!

17 March 2023 06:17 PM
Rajkot Saurashtra Technology
  • રાજકોટિયન્સને મોબાઈલનું જબરદસ્ત વ્યસન: 23% લોકોને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહીને ફોન જોવાની ટેવ !!

► પરિવાર સાથે બેઠા હોય ત્યારે એક વ્યક્તિ કલાકમાં 18 વખત ચેક કરે છે પોતાનો ફોન: સ્કૂટર પર જતાં લોકોમાં પાછળ બેઠેલા લોકોમાંથી 43% લોકો રહે છે મોબાઈલમાં જ વ્યસ્ત: બસમાં બેઠેલા 56% લોકોને મોબાઈલનું વળગણ: 18 કુટુંબમાંથી નવ પરિવારને જમતાં-જમતાં મોબાઈલ વગર નથી ચાલતું !

► બાળકો દરરોજ સરેરાશથી ત્રણ કલાકથી વધુ મોબાઈલનો કરી રહ્યા છે ઉપયોગ જેના કારણે મેદસ્વીતાના પ્રમાણમાં થઈ રહેલો સતત વધારો: 34% વાલીઓ-વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે તેમની ઉંઘ મોબાઈલને કારણે થઈ રહી છે ખરાબ: 56.34% બાળકો પાસેથી મોબાઈલ લેવામાં આવે એટલે બની જાય છે આક્રમક

રાજકોટ, તા.17 : ટેક્નોલોજીના જમાનામાં દસમાંથી સાત વ્યક્તિ એવી જોવા મળી રહી છે જેમને ભોજન ન મળે તો કદાચ ચાલી જતું હશે પરંતુ મોબાઈલ વગર નહીં !! મોબાઈલ બિલકુલ ખરાબ નથી, ઉલટાનું તેના ઉપયોગથી ઘણુંબધું કામ સરળ બની ગયું છે પરંતુ જ્યારે કોઈ પણ ઈલેક્ટ્રિક વસ્તુનો વધુ પડતો અતિરેક થાય એટલે તે નુકસાનકારક જ નિવડે છે તેમાં કોઈને શંકા ન હોઈ શકે...

આવો જ મોબાઈલના વળગણ પ્રત્યેનો રસપ્રદ સર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ચોંકાવનારા તારણો નીકળવા પામ્યા છે. યુનિવર્સિટીની ટીમ દ્વારા 450 જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાંથી 23% વિદ્યાર્થીઓ-વાલીઓ એવા નીકળ્યા છે જેમને ટ્રાફિક સિગ્નલ પર ઉભા ઉભા પણ મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ છે !

સર્વેમાં અમુક લોકો એવા પણ જોવા મળ્યા છે જેઓ પરિવાર સાથે બેઠા હોય ત્યારે એક વ્યક્તિ કલાકમાં સરેરાશ 18 વખત પોતાનો ફોન ચેક કરે છે. આ ઉપરાંત સ્કૂટર પર જતાં લોકોમાં પાછળ બેઠેલા લોકોમાંથી 43% લોકો મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે તો 56% લોકો એવા પણ મળ્યા છે જેઓ બસમાં બેઠા હોય ત્યારે સતત મોબાઈલનો વપરાશ કરે છે. આવી જ રીતે 18 કુટુંબનું નિરીક્ષણ કરવામાં આવતાં નવ કુટુંબીજનોનું કહેવું છે તેમને જમતાં જમતાં પણ મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવ છે.

આ સર્વે બાળકો ઉપર પણ કરવામાં આવ્યો હતો જેમાં 23.23% બાળકોમાં આંખની સમસ્યા જોવા મળી છે. આ એવા બાળકો છે જેઓ દિવસમાં ત્રણ કલાકથી વધુ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા. બીજી બાજુ ટેક્નોલોજીને કારણે બાળકોની હલનચલન સાવ ઓછી થઈ ગઈ છે જેના કારણે 34.23% બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.

આવી જ રીતે ટેક્નોલોજીને કારણે નવથી દસ વર્ષના બાળકોની ઉંઘ પર અસર થઈ રહી છે જેના કારણે તેમના અભ્યાસ ઉપર પણ અસર થઈ રહી છે. આ રીતે 34% વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે મોબાઈલનો ઉપયોગ તેમની ઉંઘમાં વિક્ષેપ ઉભો કરી રહ્યો છે. જ્યારે 56.34% વાલીઓના મતે બાળકો પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે એટલે સખત આક્રમક્તા બતાવી રહ્યા છે. ઘણી વાર મોબાઈલમાં હિંસા જોઈને પણ બાળકોમાં આક્રમકતા વધી રહ્યાનો નિષ્કર્ષ સર્વેમાં બહાર નીકળીને આવ્યો છે.

36% વિદ્યાર્થીઓને વાંચેલું ભૂલાઈ જાય છે, મોબાઈલ ન જુવે ત્યાં સુધી રહે છે બેચેન !
જ્યારે હાઈસ્પીડ મીડિયા કન્ટેન્ટ દ્વારા બાળકોની ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે જેના કારણે તેઓ એક વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી અને હકીકતો યાદ રાખી શકતા નથી. 36% વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે તેઓ વાંચેલી ભૂલી જાય છે અને મોબાઈલ ન જુવે ત્યાં સુધી સતત બેચેની સતાવ્યે રાખે છે. જ્યારે 18% બાળકો એવા છે જેઓ ટેક્નોલોજીના એટલા બધા વ્યસની બની ગયા છે કે ખાવા-પીવાનું પણ યાદ રહેતું નથી. એકંદરે આ વિદ્યાર્થીઓ સવારે જાગવાથી લઈને રાત્રે સૂવા સુધી તેમના મોબાઈલ સહિતના ગેઝેટને જ વળગી રહે છે.

મોબાઈલને કારણે ફાયદો ઓછો, નુકસાન વધુ
- દૃષ્ટિ નબળી પડી શકે
- શારીરિક વિકાસ નથી થઈ શકતો
- સ્માર્ટફોન બ્લાઈન્ડનેસ થવાનો ખતરો
- લાંબા સમય સુધી ખીસ્સામાં રાખવાથી હૃદય પર થઈ શકે અસર
- તકીયા નીચે રાખવાથી મગજ પર થઈ શકે અસર
- અનિદ્રાની સમસ્યા
- કાંડામાં દુ:ખાવો
- ગરદનના કરોડરજ્જુને લઈને થઈ શકે સમસ્યા

મોબાઈલને કારણે 63% બાળકોના વર્તનમાં આવી ગયો ફેરફાર
સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે બાળક દ્વારા મોબાઈલનો સતત ઉપયોગ કરવાથી તેના વર્તનમાં પરિવર્તન આવી રહ્યું છે. મોબાઈલની લત બાળકને અન્ય કોઈ કામમાં ધ્યાન કેન્દ્રીત કરવા દેતી નથી. બાળક પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો તે લઈ લેનાર વ્યક્તિ પ્રત્યે નકારાત્મક લાગણીઓ પેદા કરવા લાગે છે. એકંદરે 63% બાળકોના વર્તનમાં પરિવર્તન આવી ગયાનું સર્વેમાં બહાર આવ્યું છે. જ્યારે 24% બાળકોમાં માથાના દુ:ખાવાની સમસ્યા જોવા મળી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement