◙ રાહુલ (અણનમ 75) રવીન્દ્ર (અણનમ 45) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 108 રનની ભાગીદારીએ ટીમને જીત અપાવી
◙ શમી-સીરાજની ત્રણ-ત્રણ વિકેટ: ઑલરાઉન્ડ પ્રદર્શન કરનાર રવીન્દ્ર બન્યો મેન ઑફ ધ મેચ
મુંબઈ, તા.18
વાનખેડે સ્ટેડિયમની પીચનો ઈતિહાસ અને મેચની પૂર્વ સંધ્યા પર તેની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું હતું કે અહીં ફરીથી રનોનો વરસાદ થશે. ઑસ્ટ્રેલિયન ઑપનર મીચેલ માર્શે જે રીતે ચોગ્ગા-છગ્ગા ફટકારતાં 81 રન (65 બોલ, 10 ચોગ્ગા, પાંચ છગ્ગા) બનાવ્યા તેનાથી એવું લાગતું હતું કે મેચ હાઈસ્કોરિંગ બની રહેશે પરંતુ માર્શની ઈનિંગને બાદ કરવામાં આવે તો ઑસ્ટ્રેલિયા તરફથી દરેક બેટરોએ સ્વિંગ બોલરોની મદદગાર પીચ ઉપર એક-એક રન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.
મોહમ્મદ શમી અને મોહમ્મદ સીરાજની ત્રણ-ત્રણ વિકેટની મદદથી ભારતે ઑસ્ટ્રેલિયાને 188 રને સંકેલી નાખ્યું હતું પરંતુ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતે પણ પાંચમી ઓવર સુધીમાં 16 રને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કુલ 83 રનના ટોટલ સુધી પાંચ વિકેટ ગુમાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
તાજેતરના દિવસોમાં પોતાના ફોર્મને લઈને ટીકાઓનો સામનો કરી રહેલા કે.એલ.રાહુલ (અણનમ 75 રન) અને લાંબા સમય બાદ વન-ડે ઈન્ટરનેશનલ રમી રહેલા રવીન્દ્ર જાડેજા (અણનમ 45 રન)એ આખરે ટીમને જીત અપાવી દીધી હતી. બન્નેએ અણનમ સદીની ભાગીદારી કરતાં ભારતને 40મી ઓવરમાં જ પાંચ વિકેટે જીત અપાવી દીધી હતી.
ઈનિંગની બીજી જ ઓવરમાં માર્કસ સ્ટોઈનિસે ઈશાન કિશન (ત્રણ રન)ને પેવેલિયન મોકલ્યો હતો. ફોર્મમાં રમી રહેલો શુભમન ગીલ પણ 20 રન બનાવીને મીચેલ સ્ટાર્કનો શિકાર થયો હતો. સ્ટાર્કનો આગલો શિકાર વિરાટ કોહલી થયો જે માત્ર ચાર જ રન બનાવી શક્યો હતો જ્યારે સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. કાર્યકારી કેપ્ટન હાર્દિક પંડ્યા 25 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ-રવીન્દ્રએ મોરચો સંભાળી લીધો હતો.
આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ અંતિમ છ વિકેટ 7.5 ઓવરમાં 19 રનની અંદર ગુમાવી હતી. હાર્દિકનો બીજા સ્પેલમાં શમીને ઝડપથી બોલાવવાનો નિર્ણય સચોટ સાબિત થયો હતો. કેમરુન ગ્રીનને શમીએ આઉટ કર્યો તો બીજા સ્પેલમાં ત્રણ ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી.
બીજી બાજુ બીજી ઓવરમાં ભારતને સફળતા અપાવનારા સિરાજે બીજા સ્પેલમાં શાનદાર બોલિંગ કરતાં 5.4 ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. માર્શ સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ જાડેજાએ તેની આશા ધૂળધાણી કરી નાખી હતી. તેણે છેલ્લી સદી ભારત વિરુદ્ધ જાન્યુઆરી-2016માં લગાવી હતી.
કાલે વિશાખાપટ્ટનમમાં બીજો વન-ડે મુકાબલો
વાનખેડે સ્ટેડિયમ ઉપર જીત મેળવી ટીમ ઈન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા સામે 1-0થી આગળ થઈ ગઈ છે ત્યારે આવતીકાલે વિશાખાપટ્ટનમમાં બન્ને વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. આ મેચનો પ્રારંભ બપોરે 1:30 વાગ્યાથી થશે. ટીમ ઈન્ડિયાનો લક્ષ્યાંક આ મેચ જીતીને ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી ઉપર કબજો કરવાનો રહેશે તો ઑસ્ટ્રેલિયા આ મુકાબલો જીતીને શ્રેણીમાં કમબેક કરવાના ઈરાદા સાથે ઉતરશે.
હાર્દિકે ફરી કોહલી સાથે કર્યું તોછડું વર્તન: શમીએ ગ્રીનનું બોલ્ડ કર્યા બાદ સ્ટમ્પ છ ફૂટ દૂર ફેંકાયું
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે મેચમાં આમ તો અનેક ક્ષણ કેમેરામાં કેદ થઈ ચૂકી છે પરંતુ એવી બે ઘટનાની વાતો અત્યારે સોશ્યલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. એક તો મોહમ્મદ શમીએ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કેમરુન ગ્રીનનું જે રીતે બોલ્ડ કર્યું અને તે પછી સ્ટમ્પ છ ફૂટ દૂર ફેંકાયું તેની તસવીરો અને વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલી સાથે ફરી તોછડું વર્તન કરતાં તેની ટીકાઓ પણ અત્યારે થઈ રહી છે.
વન-ડેમાં સ્ટાર્કે પહેલીવાર કોહલીને કર્યો આઉટ: રાહુલ-રવીન્દ્ર વચ્ચે વાનખેડેમાં નોંધાઈ અત્યાર સુધીની શ્રેષ્ટ ભાગીદારી
ટેસ્ટમાં ધમાલ મચાવ્યા બાદ વિરાટ કોહલી વન-ડેમાં પણ તરખાટ મચાવશે તેવું લાગી રહ્યું હતું પરંતુ મીચેલ સ્ટાર્કે તેને ચાર રને જ આઉટ કરી દીધો હતો. આ સાથે જ વન-ડે ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલીને મીચેલ સ્ટાર્કે પહેલીવાર આઉટ કર્યો છે. આ ઉપરાંત રવીન્દ્ર-રાહુલ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે અણનમ 108 રનની ભાગીદારી થઈ હતી. આ વાનખેડેમાં છઠ્ઠી વિકેટ માટેની સૌથી શ્રેષ્ઠ વન-ડે પાર્ટનરશિપ છે. જ્યારે રવીન્દ્ર 300મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા ઉતર્યો હતો. તેણે 172 વન-ડે, 64 ટી-20 અને 64 ટેસ્ટ મેચ રમી છે.