નવીદિલ્હી, તા.18
ભારતની ત્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ઑલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની વિમેન્સ ડબલ કેટેગરીના સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. દુનિયાની 17મા નંબરની ભારતીય જોડીએ ચીનની લિ વેન મેઈ અને લિયૂ શુઆનને 64 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 21-14, 18-21, 21-12થી હરાવી હતી. હવે તેનો સામનો ઈન્ડોનેશિયાની આઠમા ક્રમાંકિત અપ્રિયાની રાહાયૂ અને સિતિ ફાડિયા સિલ્વા રામાધાંતી અથવા કોરિયાની બાએક હા ના અને સી લો હી નામની જોડી સામે થશે.
ગાયત્રી ગોપીચંદ અને ત્રીસા જૉલીએ પી.વી.સિંધી, લક્ષ્ય સેન અને એચ.એસ.પ્રણય સહિત મોટા મોટા નામો ઝડપથી બહાર થયા બાદ પ્રતિષ્ઠિત ઑલ ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનને જીવંત રાખ્યું છે. આ પહેલાં ભારતના સ્ટાર ખેલાડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પણ મેન્સ ડબલ્સમાં હારીને બહાર થઈ ચૂક્યા છે.
20 વર્ષીય ગાયત્રી અને 19 વર્ષીય ત્રીસા પાછલા વર્ષે પણ સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. ભારતીય જોડીએ આ પહેલાં થાઈલેન્ડની સાતમા ક્રમની જોંગકોલફાન કિટીથારાકુલ અને રવીન્દ્ર પ્રાજોંગજઈ જ્યારે તેના પહેલાં જાપાનની પૂર્વ નંબર વન જોડી યુકી ફુકુશિમા અને સયાકા હિરોટાને હરાવી હતી.
2001માં પુલેલા ગોપીચંદ બાદ કોઈ પણ ભારતીય ખેલાડીએ ઑલ ઈંગ્લેન્ડ ખીતાબ જીત્યો નથી. લક્ષ્ય સેન પાછલા વર્ષે મેન્સ સિંગલ્સ કેટેગરીના ફાઈનલમાં પહોંચ્યો હતો પરંતુ તે વિક્ટર એક્સેલસેન વિરુદ્ધ હારી ગયો હતો.