નવીદિલ્હી, તા.18
ન્યુઝીલેન્ડનો ‘મીસ્ટર ડિપેન્ડેબલ’ કેન વિલિયમસન અત્યારે ગજબનો ફોર્મમાં રમી રહ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ વેલિંગ્ટનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં તેણે પોતાના ટેસ્ટ કરિયરની 28મી સદી બનાવી છે. આ સદી સાથે તેણે રેડ બોલ ક્રિકેટમાં સૌથી વધુ સદી બનાવનારા બેટરોમાં કોહલીની બરોબરી કરી લીધી છે.
સાથે સાથે ન્યુઝીલેન્ડ માટે ઈતિહાસ પણ રચી દીધો છે. વિલિયમસને સળંગ ત્રણ મેચમાં ત્રીજી સદી બનાવી છે. ન્યુઝીલેન્ડ વતી આવું કારનામું કરનાર તે પ્રથમ બેટર બન્યો છે. કીવી બેટરે આ પહેલાં શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટેસ્ટ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણીની અંતિમ મેચમાં સદી બનાવી હતી.
વિલિયમસન પોતાની સદી પૂરતો જ મર્યાદિત રહ્યો નહોતો. તેણે 23 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 215 રન બનાવ્યા છે. વિલિયમસને 10મી વાર પોતાના ટેસ્ટ કરિયરમાં 150નો આંકડો પાર કર્યો છે અને તે આવું કરનારો પણ ન્યુઝીલેન્ડનો પ્રથમ બેટર છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત 150 રનનો આંકડો પાર કરવાનો રેકોર્ડ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના નામે છે જેણે પોતાના કરિયરમાં 20 વખત આવું કર્યું છે.
આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 8000 રનનો આંકડો પણ વટાવી લીધો છે. વિલિયમસન સિવાય સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રોસ ટેલરના નામે છે તેણે 7683 રન બનાવ્યા છે. વિલિયમસનની ટેસ્ટ કરિયરની આ 94મી મેચ છે અને આ ફોર્મેટમાં તે 54.88ની શાનદાર સરેરાશથી રન બનાવી રહ્યો છે.