નવીદિલ્હી, તા.18
વર્ષ-2022માં ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપના આયોજન બાદ હવે રમતના સૌથી નાના ફોર્મેટની આગલી ટૂર્નામેન્ટ 2024માં રમાશે. પહેલાંથી નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાને સંયુક્ત રીતે આ ટૂર્નામેન્ટની યજમાની સોંપાઈ હતી. જો કે હવે અમેરિકા પાસેથી યજમાની છીનવી લેવામાં આવી છે અને માત્ર વિન્ડિઝમાં આખા વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે, અમેરિકા પાસેથી ટી-20 વર્લ્ડકપની યજમાની છીનવાઈ ગયાની જાણ તેને ઈ-મેઈલથી કરી દેવામાં આવી છે. જો કે આવું શા માટે કરાયું તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરાઈ નથી.
એપ્રિલ-2022માં આઈસીસી દ્વારા ઓવી જાણકારી આપી હતી કે, વિન્ડિઝ અને અમેરિકાની ટીમે 2024 વર્લ્ડકપ માટે સીધું ક્વોલિફાય કર્યું છે. આવું એટલા માટે કેમ કે બન્ને યજમાન દેશ છે. હવે અમેરિકા પાસેથી યજમાની છીનવાઈ જવાથી તેનું ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે.
અમેરિકાને આઈસીસીના એસોસિએટ દેશનો દરજ્જો પ્રાપ્ત છે. જો કે ક્રિકેટના કલ્ચરની વાત કરવામાં આવે તો અમેરિકા અત્યારે આ મામલે ઘણું પાછળ છે. ટી-20 વર્લ્ડકપની મેજબાની મળવાને અમેરિકા માટે મોટી જીત માનવામાં આવતી હતી. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે કયા કારણોસર આવો નિર્ણય લેવાયો હશે.