મુંબઈ, તા.18
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં ત્રણ મેચની વન-ડે શ્રેણી રમી રહી છે જેની પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો છે. દરમિયાન ઘણા લાંબા સમય બાદ ક્રિકેટિંગ એક્શનમાં પરત ફરેલા હાર્દિક પંડ્યાએ આ મેચમાં કેપ્ટનશિપ કરીને ટીમને જીત અપાવી છે.
જો કે આ મેચ રમાઈ તે પહેલાં હાર્દિક પંડ્યાએ પોતાના ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે, અત્યારે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો કે નજીકના ભવિષ્યમાં રમાનારી ટેસ્ટ મેચનો હિસ્સો બનવા માંગતો નથી.
હાર્દિકે તર્ક આપ્યો કે તેના રમવાથી કોઈ બીજા ખેલાડીનો હક્ક છીનવાઈ જશે અને તેણે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે 10% કામ પણ કર્યું નથી. હાર્દિકે પોતાની અંતિમ ટેસ્ટ ઑગસ્ટ-2018માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી.
હાર્દિકે ઉમેર્યું કે, ઈમાનદારીથી કહું તો હું મારા જીવનમાં નૈતિક રીતે અત્યંત મજબૂત છું. મેં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે 10% કામ પણ પૂર્ણ કર્યું છે અને હું તેનો 1% હિસ્સો પણ અત્યારે નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ માટે જવું અને કોઈની જગ્યા લઈ લેવી નૈતિક રીતે મારા માટે યોગ્ય ન કહેવાય. જો હું ટેસ્ટ ક્રિકેટ રમવા માંગું છું તો મારે આકરી મહેનત કરવી પડશે અને મહેનત થકી હું મારું સ્થાન હાંસલ કરીશ. હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કે નજીકના દિવસોમાં રમાનારી એક પણ ટેસ્ટનો હિસ્સો નથી બનવાનો. જ્યાં સુધી મને એમ નહીં લાગે કે ટેસ્ટ ટીમમાં મારું સ્થાન નથી બની રહ્યું ત્યાં સુધી હું તેનાથી દૂર જ રહીશ.