એશિયા કપ રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં ? આજે ICCની બેઠકમાં થઈ શકે નિર્ણય

18 March 2023 10:23 AM
India Sports World
  • એશિયા કપ રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં ? આજે ICCની બેઠકમાં થઈ શકે નિર્ણય

નવીદિલ્હી, તા.18
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે બન્ને દેશોએ લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. આ સાથે જ ભારતે એશિયા કપ માટે ભારતે પાકિસ્તાનની યાત્રા નહીં કરવાનો નિર્ણય લીધો છે. જો કે એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)માં અત્યારે આ મામલે કોઈ જ નિર્ણય લેવાયો નથી પરંતુ આજે આઈસીસીની મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.

અમુક મુદ્દાઓને લઈને આજે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)ની બોર્ડ મિનિટંગ મળશે. આ મિટિંગ ચાલું વર્ષની પ્રથમ ક્વાર્ટરની પહેલી મિટિંગ છે. આ બેઠક સોમવાર સુધી ચાલશે જેમાં અફઘાનિસ્તાનનું સભ્યપદ, ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધ અને એક નવું રેવન્યુ ડિસ્ટ્રિબ્યુશન મોડેલ સહિતના મુદ્દા એજન્ડામાં સામેલ છે.

એશિયન દેશો વચ્ચે આ વર્ષે 50 ઓવરનો એશિયા કપ રમાશે. સપ્ટેમ્બરમાં રમાનારી આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં પ્રસ્તાવિત છે. ભારતને બાદ કરતાં તમામ દેશ પાકિસ્તાન આવીને રમવા માટે તૈયાર છે પરંતુ ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાડોશી દેશમાં જવા માંગતી નથી. આ મુદ્દે એશિયન ક્રિકેટ કાઉન્સીલમાં પાછલા દિવસોમાં બેઠક મળી હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહોતો. હવે આ મામલે આઈસીસીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જ્યારે માર્ચના અંતમાં એસીસીની બેઠક મળવાની પણ સંભાવના છે.

2023 એશિયા કપ બાદ આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બર દરમિયાન ભારતમાં વન-ડે વર્લ્ડકપ રમાવાનો છે. પાકિસ્તાન બોર્ડનું કહેવું છે કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં આવે. બન્ને ટીમ આઈસીસીની ફુલટાઈમ સભ્ય છે આવામાં આ બન્ને વચ્ચે મેચ રમાડવાને લઈને બેઠક કરવી જરૂરી બની જાય છે કેમ કે બે વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પણ પાકિસ્તાનમાં જ રમાવાની છે. જો કોઈ સમાધાન ન નીકળ્યું તો 2025માં આ જ સમસ્યા યથાવત રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement