નવીદિલ્હી, તા.18
વર્લ્ડ નંબર વન પુરુષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ અમેરિકાના ફ્લોરિડામાં રમાનારી એટીપી ટૂર્નામેન્ટ મીયામી ઓપનમાં નહીં રમે. આ અંગેની જાહેરાત આયોજકો દ્વારા કરવામાં આવી છે. જોકોવિચે કોરોના વેક્સિન લીધી નથી જેના કારણે તેને અમેરિકામાં એન્ટ્રી મળી નથી. આ પહેલાં જોકોવિચે કેલિફોર્નિયામાં 6થી 19 માર્ચ વચ્ચે રમાનારી ઈન્ડિયન વેલ્સમાંથી પણ પોતાનું નામ પરત લઈ લીધું હતું.
અમેરિકી નિયમો પ્રમાણે કોરોના વેક્સિન ન લીધી હોય તેવી વ્યક્તિને દેશમાં પ્રવેશ અપાતો નથી. જોકોવિચે અમેરિકી અધિકારીને સ્પેશ્યલ પ્રવેશ આપવાનો અનુરોધ કર્યો હતો પરંતુ તેનો સ્વીકાર થયો નથી. મીયામી ઓપન 21 માર્ચથી 2 એપ્રિલ સુધી રમાશે.
મીયામી ઓપન ટૂર્નામેન્ટના ડાયરેક્ટર જેમ્સ બ્લેકે કહ્યું કે મીયામી ઓપન દુનિયાની ટોચની ટૂર્નામેન્ટ પૈકીની એક છે. અમે ઈચ્છીએ છીએ કે આ ટૂર્નામેન્ટમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ રમે. અમે એ બધું જ કર્યું છે જે કરી શકતા હતા. અમે સરકાર સાથે પણ વાત કરવાની કોશિશ કરી પરંતુ જોકોવિચને પરમીશન અપાઈ નથી.
સર્બિયન સ્ટાર પાછલા વર્ષે ઑસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપન પણ રમી શક્યો નહોતો. પાછલા વર્ષની શરૂઆતમાં કારોના વેક્સિનનું સર્ટિફિકેટ ન હોવાને કારણે તેને ઑસ્ટ્રેલિયા ઓપનમાંથી પરત મોકલી દેવાયો હતો. વેક્સિન નહીં લીધી હોવાને કારણે જ તે યુએસ ઓપન પણ રમી શક્યો નહોતો. જોકોવિચ સંયુક્ત રીતે રાફેલ નડાલ સાથે 22 ગ્રાન્ડસ્લેમ જીતીને સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનારો ટેનિસ ખેલાડી છે.
આ બન્ને બાદ રોજર ફેડરર 20 ગ્રાન્ડસ્લેમ જીતીને બીજા ક્રમે છે. જોકોવિચને સીઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે દુબઈ ઓપનના સેમિફાઈનલમાં તેને ડેનિયલ મેદવેદેવે સીધા સેટમાં હરાવ્યો હતો.