ગોંડલમાં બોર્ડના પેપર દરમિયાન મોબાઈલ ફોન લઈ પરીક્ષા ખંડમાં ઘુસેલા વિદ્યાર્થી સામે પોલીસમાં ગુનો દાખલ

18 March 2023 11:26 AM
Gondal
  • ગોંડલમાં બોર્ડના પેપર દરમિયાન મોબાઈલ ફોન લઈ પરીક્ષા ખંડમાં ઘુસેલા વિદ્યાર્થી સામે પોલીસમાં ગુનો દાખલ

બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર (કન્યા શાળા) ખાતે ગઈકાલે ધો.10નો વિદ્યાર્થી જીગ્નેશ પારઘી મોબાઈલ સાથે પકડાયો હતો

રાજકોટ, તા.18 : ગોંડલમાં ધો.10 બોર્ડની પરીક્ષામાં મોબાઈલ ફોન લઈ પેપર દેવા આવેલા વિદ્યાર્થીને સુપરવાઈઝરે સીસીટીવીના માધ્યમથી ઝડપી લઈ ફોન કબ્જે કરી ગુનો દાખલ કરાયો છે. ફરિયાદ નોંધાવનાર ક્રિપાલસિંહ સહદેવસિંહ રાયજાદા (ઉ.વ.41)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ગોંડલ, બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર (કન્યા શાળા) ખાતે બોર્ડની પરીક્ષા સ્થળ સંચાલક તરીકે મારી ફરજમાં હતો.

ધોરણ-10 માં ગણિત બેઝીક વિષયનુ પેપર હોય અને બિલ્ડીંગ/બ્લોક નંબર-10-108 માં પરીક્ષાર્થી જીગ્નેશ દેવશીભાઇ પારથી પરીક્ષા ખંડની અંદર મોબાઇલ ફોન છુપાવીને પ્રવેશ કરેલ હોય જે શાળાના પરીક્ષા ખંડના સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમથી સુપરવાઇઝર રાજેશભાઇ પ્રવિણભાઇ સોલંકીએ જોઇ જતા આ બાબતે મને સ્થળ સંચાલકને જાણ કરતા મેં તથા પરીક્ષા બોર્ડ તરફથી આવેલ રૂટ સુપરવાઇઝર સાથે તપાસ કરતા ખંડનિરીક્ષક ધર્મિષ્ઠાબેન ચૌહાણને સાથે રાખી ચેક કરતા વિદ્યાર્થી પાસેથી એક આઈફોન મોબાઈલ મળી આવ્યો.હતો.

પરીક્ષાર્થીનુ નામ જીગ્નેશ દેવશીભાઈ પારઘી (રહે,ગોંડલ ,ભગવતપરા શેરી નં-31/16 ) પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરવા બાબતે પુછતા કોઈ વ્યાજબી કારણ જણાવેલ ન હોય કે કોઇ સતાવાળાઓ પાસેથી પરવાનગી મેળવેલ ન હોય જેથી પરીક્ષા ખંડમાં પરીક્ષામાં ગેરરીતી કરવાના ઇરાદાથી પરીક્ષા ખંડની અંદર મોબાઇલ ફોન છુપાવીને પ્રવેશ કરેલ હોય જે શાળાના પરીક્ષા ખંડના સી. સી.ટી.વી. કેમેરાના માધ્યમથી પકડાય ગયેલ. જેથી તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ ગોંડલ સિટી પોલીસ મથકે નોંધાવી હતી.


Advertisement
Advertisement
Advertisement