ભાવનગર સહિત રાજ્યના જુદા-જુદા જિલ્લામાં કરા સાથે વરસાદ: વિજળી પડવાથી ચારના મૃત્યુ

18 March 2023 11:28 AM
Bhavnagar Saurashtra
  • ભાવનગર સહિત રાજ્યના જુદા-જુદા જિલ્લામાં કરા સાથે વરસાદ: વિજળી પડવાથી ચારના મૃત્યુ

ગુજરાતના અનેક ભાગોમાં કાશ્મીર જેવો માહોલ: સતત ત્રીજા દિવસે વરસતું માવઠું

રાજકોટ, તા.18 : હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં કરા સાથે જોરદાર વરસાદ પડતા રોડ પર ચોમાસાની જેમ પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન રાજ્યમાં વીજળી પડવાથી કુલ 4 મોત થતાં માવઠું જીવલેણ સાબિત થઈ રહ્યું છે. દાહોદ શહેર ઉપરાંત સમગ્ર દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદી માહોલ વચ્ચે ગરબાડામાં કામાવીરા ફળીયામા એક કાચા મકાન ઉપર એકાએક આકાશી વીજળી પડી હતી.

જેની ઝપેટમાં કુલ લોકો આવ્યા હતા. જેમાં એકનું મોત થયું છે, જ્યારે દંપતીની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. વીજળી પડવાને કારણે 8 જેટલા અબોલ પશુઓના પણ મોત થયા છે.દાહોદ ઉપરાંત વડોદરામાં પણ બપોર બાદ કરા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. થોડા સમયમાં જ શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયું. આ દરમિયાન પાદરાના લતીપુરામાં વીજળી પડવાને કારણે ખેડૂતનું મોત થયું છે.

મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. ઉમરપાડા તાલુકાના ગુલીઉમર, ખૌટારામપુરા, રાજનીવડ , વડગામ, ડોંગરીપાડા, કોલવાણ, મોટીદેવરૂપણ, ઉમરદા સહિતના ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારમાં કરા પડતા રોડ પર બરફની ચાદર છવાઈ હતી.

ભાવનગર
ભાવનગર શહેરમાં ગઈ રાત્રીના 12:00 વાગે એકાએક ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં કરા પણ પડ્યા હતા. ગોહિલવાડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી માવઠા જેવું વાતાવરણ રહેવા પામ્યું છે. ભાવનગર શહેરમાં ગઈ રાત્રીના 12:00 વાગે પ્રચંડ વીજ કડાકાથી સુતેલા નગરજનો જાગી ગયા હતા. ચોમાસાની જેવો માહોલ સર્જાયો હતો અને તેજ પવન સાથે વરસાદના કરા પણ પડ્યા હતા. દરમિયાન આજે શનિવારે સવારથી જ ભાવનગર શહેરમાં તડકો નીકળ્યો હતો.

અરવલ્લી
ગઈકાલે અરવલ્લી જિલ્લા સહિત અનેક જગ્યાએ માવઠાની અસર જોવા મળી. ગુજરાતમાં જ ધોધમાર વરસાદ સાથે ઠેર-ઠેર કરા પડી રહ્યાં છે. તેમાં પણ વણીયાદ-મોડાસા માર્ગ પર કરાની ચાદર પથરાઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં જોઈએ ત્યાં રસ્તા પર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ધોધમાર વરસાદથી શહેરમાં જ નદીઓ વહેતી થઈ છે. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે કરા સાથે વરસાદ ખાબક્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement