(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.18 : દુષ્કર્મની ઘટનામાં આરોપીને જિંદગીના અંતિમશ્વાસ સુધી જેલમાં રાખવાની સજા ધોરાજી જુની એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે ફટકારી છે. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર એમ શર્મા એ ગઈકાલે આ ચુકાદો આપી આરોપી ઈકબાલ હબીબ કાલીયા મેમણ તે (ઈકબાલ જાદુગર)ઉ.વ.42ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા ફરમાવેલ છે. પ્રાપ્ત વિગત મુજબ ભોગ બનનાર ના પિતા મૂળ બિહારના વતની હતા અને તેમને બે પત્ની તથા સાત બાળકો હતા. આર્થિક ભારણ સહન ન થતા તેમણે પોતાની એક પુત્રી મુસ્કાન ને આરોપી ઈકબાલ હબીબ મેમણ સાથે પરણાવી દીધેલ અને તેની સાથે આ કામના ભોગ બનનારને પણ મોકલી આપેલા ભોગ બનનાર ની ઉંમર આ વખતે માત્ર 14 વર્ષથી પણ નાની હતી. અને આરોપી ઈકબાલ હબીબ તેની સાથે તે ભોગ બનનાર બાળકી પોતાની આશ્રિત હોવા છતાં વારંવાર શરીર સંબંધ તેણીની સમજ કે મરજી વગર બાંધતો હતો. ભોગ બનનાર ના પાડે તો છરી બતાવી અને તેને થોડા થોડા ઘોઘા પણ મારતો હતો.
આ આરોપી ના શરણે રહેવા સિવાય ભોગ બનનાર બાળકી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. આવા સંજોગોમાં ભોગ બનનાર બાળકીને ગર્ભ રહી જતો ત્યારે પણ આ ઈકબાલ હબીબ તેની સાથે શરીર સંબંધ બાંધતો અને બે વખત તેણીને ગર્ભ પડી જાય તેવી દવાઓ ખવડાવી અને ગર્ભપાત પણ કરાવી નાખેલો હતો. આ સિલસિલો સતત અને અવિરત ચાલુ રહેતો હતો. છેવટે સામાજિક કાર્યકર્તા અને પાડોશી બહેનના ધ્યાનમાં આ હકીકત આવતા તેમણે ભોગ બનનાર બાળકીના પિતા ને બોલાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, અને આરોપી ઈકબાલ હબીબ કાલીયા સામે ફરિયાદ નોંધાય તેવી તજવીજ કરેલી હતી. પોલીસે 4 જુલાઈ 2020 ના અરસામાં આ ઈકબાલ હબીબ કાલિયાની ધરપકડ કરેલી હતી ત્યારથી આજ દિવસ સુધી આ ઈકબાલ હબીબ કાલીયા ને જામીન ઉપર ન છૂટે તેના માટે સરકારી વકીલ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવેલી હતી.
ત્યારબાદ આરોપી ઈકબાલ હબીબ કાલીયા એ એવો બચાવો રજૂ કરેલો હતો કે ભોગ બનનાર બાળકીને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય, અને તે પ્રેમ સંબંધમાં તેના બનેવી આડ ખીલ્લી રૂપ હોય ખોટી ફરિયાદ કરેલી છે. ભોગ બનનાર બાળકીના પિતાશ્રી એ પણ પોતાના દીકરીના ઘરને સાચવવા માટે પોતાની ફરિયાદને વળગી રહેલા નહીં અને ફરી ગયેલા જાહેર થયેલા હતા. ત્યારબાદ બચાવ પક્ષ તરફથી શાહેદો પણ તપાસવામાં આવેલા હતા.સરકાર પક્ષે ડી ઓ પી કચેરીના માર્ગદર્શન હેઠળ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ એ રજૂઆતો કરેલી હતી કે આરોપી એ આચરેલો અપરાધ તે જગન્ય અપરાધ છે. આરોપી સામે અગાઉ સુરેન્દ્રનગર કોર્ટમાં સેશન સ્કેસ નંબર 76/ 2006 થી કેસ ચાલેલો હતો અને તેમાં હાલના આરોપી ને નામદાર અદાલતે સજા ફરમાવેલી હતી તે સજા આરોપીએ ભોગવેલી પણ હતી.
આ તમામ હકીકત સરકારી વકીલ તરફથી સફળતાપૂર્વક રેકર્ડ પર લાવવામાં આવેલ. ભોગ બનનાર બાળકીની ઉંમર અને વલનરેબલ તરીકે ભોગ બનનાર બાળકીને નામદાર અદાલત અને કાયદાની પ્રક્રિયામાં એક વિશ્વાસ સંપાદન કરાવી અને સત્ય હકીકત જુબાની સ્વરૂપે રેકોર્ડ પર લાવેલ હતા. પોલીસ તરફથી પણ સામાજિક કાર્યકર્તા અને પાડોશીઓના પુરાવા અધિનિયમ કલમ 164 મુજબના નિવેદન નોંધાય તેવી તકેદારી લેવામાં આવેલી હતી. આ દુષ્કર્મના સંદર્ભે ભોગ બનનાર બાળકી એ એક બાળકનો જન્મ આપેલ હતો. આરોપી પક્ષે પોતાના નિર્દોષતા પુરવાર કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવા માટે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી કાર્તિકેય પારેખ તરફથી પ્રશ્નો પૂછવામાં આવેલા હતા, પરંતુ આરોપી ઈકબાલ હબીબ કાલીયા એ તેનો ઇનકાર કરેલો હતો. જેથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરફથી સમગ્રતામાં આરોપી વિરુદ્ધ અનુમાન કરવા માટે રજૂઆત કરેલી હતી. અને નામદાર અદાલતે આરોપીને 16 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીને, પોતાના વાલી પણામાં હતા
તે દરમિયાન, ગર્ભધારણ હોય તેવી સ્થિતિમાં પણ, જાનથી મારી નાખવાની ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ કરવા બદલ તકસીરવાન ઠરાવવા માટે વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ કરેલા હતા તથા જ્યારે આરોપી વિરુદ્ધ પોક્ષો એક્ટની ચાર્જ ફરમાવેલ હોય ત્યારે સાબિતીનો બોજો આરોપી પર રહે તેના વિરુદ્ધ સ્પષ્ટ અનુમાન થાય તેવી રજૂઆત કરેલી હતી જે રજૂઆતો ને ગ્રાહ્ય રાખી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર એમ શર્માએ આરોપી ઈકબાલ હબીબ કાલીયા મેમણ ઉર્ફે ઈકબાલ જાદુગર ને તકસીરવાન ઠરાવેલ હતા. ત્યારબાદ નામદાર અદાલતે સજા અંગે સાંભળતા એડિશનલ પબ્લિક પ્રોસિટર કાર્તિકેય મ પારેખ તરફથી આરોપી ઈકબાલ હબીબ કાલીયા તે કાયદાના જાણકાર હોવાનું અગાઉ કલમ 376 માં તકસીરવાન ઠરાવાયેલ હોવાનું અને આ તમામ સંજોગોની સાથે તેમણે પોતાની એક તૃષ્ણાના સંતોષ માટે ભોગ બનનાર નું જીવન બરબાદ કરી નાખેલ, બનનારને બે વખત ગર્ભપાત કરાવી નાખેલ અને 15 વર્ષની નાની વયે માતા બનાવી દીધેલ હોવાના કૃતિ અને હળવાશથી લઈ શકાય નહીં.
આ તમામ સંજોગોને ધ્યાને લેવામાં આવે તો આરોપીને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા કરવા દરખાસ્ત કરેલી હતી. રજૂઆત કરી હતી કે કાયદાની પ્રક્રિયા તે કોઈપણ વ્યક્તિ સાથે બદલો લેવાની નહીં પરંતુ ભોગ બનનારના જીવનમાં બદલાવ લાવવાની પ્રક્રિયા છે આરોપીને ઓછી સજા કરવામાં આવે તો જીવનના કોઈપણ તબક્કે ભોગ બનનાર તેના સગા સાડી થતા હોય તેના પર પ્રભાવ આપી શકે, અને આરોપીએ જે કૃતિ આચરેલું છે તે કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાંભળે તો પણ તેને હચમચાવી નાખે અને કંપાવી છૂટે તેવી ઘટના છે. અને આરોપીને આંકરામાં આકરી સજા અને મોટામાં મોટી રકમનો દંડ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા કરવા દરખાસ્ત કરેલી હતી.બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર એમ શર્માએ આરોપી ઈકબાલ હબીબ કાલિયાએ આચરેલો ગુનો અસાધારણ ગણી અને તેને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાનું સજા ફરમાવેલ તથા રૂપિયા 25000 દંડ ફરમાવેલ હતો.અને સરકાર પક્ષે ભોગ બનનારને પોતાનું જીવન પુન:સ્થાપન કરવા માટે રૂ।.12,00,000 વળતર ચૂકવવા પણ આદેશ આપવામાં આવેલ છે.