રાજય સરકારની સ્ટેમ્પ ડયુટી- નોંધણી ફી: આવક એક વર્ષમાં રૂા.2351 કરોડ વધી

18 March 2023 12:05 PM
Rajkot Government Gujarat
  • રાજય સરકારની સ્ટેમ્પ ડયુટી- નોંધણી ફી: આવક એક વર્ષમાં રૂા.2351 કરોડ વધી

♦ પેટ્રોલ-ડિઝલ વેટ પછી બીજી સૌથી મોટી આવક

♦ હવે જંત્રી દરનો પ્રસ્તાવિત વધારો સરકારી તિજોરીને છલકાવી દેશે તેવા સંકેત

રાજકોટ: ગુજરાતમાં જંત્રી દર ડબલ કરવાની સરકારની તૈયારી વચ્ચે હવે સ્ટેમ્પ ડયુટીમાંથી સરકારની આવક પણ આગામી વર્ષથી ડબલ થશે તેવા સંકેત છે. ગઈકાલે વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ 1 વર્ષમાં સરકારની સ્ટેમ્પ ડયુટી અને દસ્તાવેજ નોંધણી ફી આવક 42% વધી છે અને હાલના બજેટમાં સ્ટેમ્પ ડયુટીમાં કોઈ રાહત અપાઈ નથી તેથી સરકારને પેટ્રોલ-ડિઝલ પરના વેટ બાદની બીજી સૌથી મોટી કમાણી હવે મિલ્કતોના સ્ટેમ્પ ડયુટીમાંથી થશે તે નિશ્ચિત છે.

રાજય સરકારે મહેસુલી આવક વધારવા એક તરફ જંત્રીના દર બમણા કરવાની જાહેરાત કરી છે પરંતુ સરકારને સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીની આવકમાં 42 ટકાનો વધારો નોંધાયો છે. જંત્રીના દર બમણા લાગુ કરાશે ત્યારે આવકમાં સરકારે 25 ટકાનો વધારો થવાનો અંદાજ વિધાનસભામાં અપાયેલી માહિતીમાં વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસના સીનીયર સભ્ય અર્જુન મોઢવાડીયાએ ડિસેમ્બર-2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી પેટે કેટલી આવક થઈ તે અંગે સવાલ પૂછયો હતો. જેના લેખિત જવાબમાં મહેસુલ વિભાગે જણાવ્યું હતું કે, એપ્રિલ-2020થી માર્ચ-2021માં સ્ટેમ્પ ડયુટીની આવક 4974 કરોડ હતી તે એપ્રિલ-2021થી માર્ચ-2022ના વર્ષમાં વધીને રૂા.7062 કરોડ થઈ હતી.

તેવી જ રીતે નોંધણી ફીની આવક પણ 1063 કરોડથી વધીને રૂા.1506 કરોડ થઈ હતી. 2020-21ના વર્ષમાં બન્નેની કુલ આવક 6037 કરોડ હતી તે 2021-22માં કુલ 8568 કરોડ થઈ હતી એટલે કે રૂા.2531 કરોડનો વધારો અગાઉના વર્ષની સરખામણીમાં થયો હતો. આગામી નાણાકીય વર્ષ 2023-24માં આ આવકમાં 25 ટકાનો વધારો થવાનો અંદાજ પણ વિભાગે વ્યક્ત કર્યો છે. એટલે કે 2500 કરોડથી વધુની આવક થઈ શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement