મેડીકલમાં પ્રવેશ માટે જ્ઞાતિના સર્ટિફિકેટનું ક્રોસ વેરીફીકેશન જરૂરી: રીટ

18 March 2023 12:07 PM
Ahmedabad Gujarat
  • મેડીકલમાં પ્રવેશ માટે જ્ઞાતિના સર્ટિફિકેટનું ક્રોસ વેરીફીકેશન જરૂરી: રીટ

ગુજરાત હાઈકોર્ટની રાજય સરકારને નોટીસ

અમદાવાદ: મેડીકલ પ્રવેશમાં સ્ક્રુટીની કમીટી દ્વારા કાસ્ટ સર્ટિફિકેટનું વેરીફીકેશન કરવામાં આવતું ન હોવાના દાવા સાથે હાઈકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ રિટમાં બે મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાંય રાજય સરકાર તરફથી કોઈ જવાબ રજુ કરવામાં આવ્યો નથી.

શુક્રવારે કેસની સુનાવણી નીકળતાં એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટીસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજય સરકારને સોગંદનામુ કરીને જવાબ આપવાનો આદેશ કરી રિટની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.

આ સમગ્ર મામલે એડવોકેટ આદીત્ય ભટ્ટે જાહેરહિતની અરજી કરીને એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, ‘કાસ્ટ સર્ટિફિકેટના વેરીફીકેશન અંગેનો જે કાયદો છે તે કાયદાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. વર્ષ 2018માં આ કાયદો પારિત કરવામાં આવ્યો હતો અને એનો આશય જ એ હતો કે યોગ્ય ઉમેદવારોને સામાજીક ન્યાય મળી રહે અને તેઓ સમાજમાં સમાન અધિકાર ભોગવી શકે.

જો કે મેડીકલની વિવિધ શાખા જેમ કે ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદના કોર્સમાં કાયદાની જોગવાઈ મુજબ કાસ્ટ સર્ટિફીકેટનું વેરીફીકેશન થવું જ જોઈએ. તેના આધારે જ પ્રવેશ આપવામાં આવવો જોઈએ. તેમ છતાંય આ કાયદાની જોગવાઈનો અમલ થતો નથી અને તેથી કેટલાક એવા લોકો લાભ લઈશકે છે અથવા તો લઈ રહ્યા છે જેમની પાસે કાસ્ટનું સર્ટિફીકેટ તો હોય છે પરંતુ તેની કાયદા મુજબની ખરાઈ થઈ હોતી નથી.’

ગુજરાત શિડયુલ કાસ્ટ, શિડયુલ ટ્રાઈબ્સ અને અધર બેકવર્ડ કલાસ (રેગ્યુલેશન ઓફ ઈસ્યુઅન્સ એન્ડ વેરિફીકેશન ઓફ કાસ્ટ સર્ટિફીકેટ) એકટ 2018ની કલમ મુજબ મેડીકલમાં પ્રવેશ આપતા પહેલાં ઓથોરીટી જે તે ઉમેદવારના કાસ્ટ અંગેના સર્ટીફીકેટની ખરાઈ ફરજીયાત કરવાની રહે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement