ગાંધીનગર તા.18
છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં નાગરિકોને લાવવા લઈ જવા માટે 34,614 વખત એસટી બસ ભાડે લેવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે તે બદલ સરકારે 109.81 કરોડ રૂપિયા ચુકવવાના થાય છે.એસટી નિગમની આર્થિક હાલત ખરાબ છે ત્યારે આ કાર્યક્રમો બદલ એસટીને 53.81 કરોડ રૂપિયા હજુ સરકારે ચુકવ્યા નથી.
આટલી મોટી સંખ્યામાં એસટી બસો ઉપયોગમાં લેવાતા જે તે રૂટ ઉપર તે સમયે હજારો મુસાફરોને કેટલી હાલાકી પડી હશે તે સવાલ છે. ચૂંટણીનાં વર્ષમાં મોટાપાયે સરકારી તંત્ર દ્વારા એસ.ટી.બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિધાનસભામાં કોંગ્રેસના કિરીટ પટેલ દ્વારા જાન્યુઆરી-2023 ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં પીએમ અને સીએમના રાજયના યોજાયેલા કાર્યક્રમોમાં આમ જનતાને લઈ જવા માટે કેટલી બસ ભાડે લેવાઈ અને તે બદલ કેટલી રકમ ચુકવાઈ તે અંગેનો સવાલ પૂછાયો હતો જેના લેખીત જવાબમાં વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે કુલ 34,614 વખત એસટી બસ ભાડે લેવાઈ હતી. તે બદલ એસટી તંત્રને 56.01 કરોડની રકમ આપવામાં આવી છે.જયારે 53.81 કરોડની વસુલાત હજુ બાકી છે.
પીએમ-સીએમના કાર્યક્રમોમાં જાહેર સભાઓમાં જનમેદની ભેગી કરવા માટે આટલી મોટી સંખ્યા એસટી બસ ઉપયોગમાં લેવાઈ છે ત્યારે એસટી તંત્રએ મુસાફરોને તકલીફ ન પડે તે માટે કોઈ આગોતરી જાણ કરી હશે કે વૈકલ્પિક સુવિધા ગોઠવી હશે કે કેમ તે સવાલ છે.