આણંદ તા.18
મન બદલશો તો જીવન પણ બદલાશે. જીવનથી સુસ્ત થઈ ગયેલા, જીવનમાં ખાલીપો અનુભવતી વ્યકિત નશાની લત કરે છે, ત્યારે આવી વ્યકિતઓ સાથે વાત કરીને માનસિક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એમ આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પ્રણેતા શ્રીશ્રી રવિશંકર મહારાજે આણંદમાં અક્ષરફાર્મ ખાતે યુવા સંમેલનને સંબોધતા જણાવ્યું હતું.
આણંદ-વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલા અક્ષરફાર્મ ખાતે શુક્રવારના રોજ યોજાયેલ યુવા સંમેલનને સંબોધતા શ્રીશ્રી રવિશંકર મહારાજે માનવ મુલ્યનો વિકાસ, ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા પર પ્રતિજ્ઞા, ગ્રીન અર્થનું સંરક્ષણ વિષય પર વાત કરી હતી. આ ઉપરાંત યુવાઓ માટે લાઈવ મ્યુઝિક ક્ધસર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રીશ્રી રવિશંકર મહારાજે જણાવ્યું કે, દેશને આગળ લઈ જવો એ સર્વેનુ કર્તવ્ય છે. દેશ માટે મહાત્મા ગાંધીનો મહત્વપૂર્ણ યોગદાન છે. એની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું જેઓએ દેશને એક કરવાનું કામ કર્યું અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની છબીને બદલવાનું કામ કરી રહ્યા છે. આ પ્રદેશ અને ભૂમિનું વિશેષ મહત્વ છે, જયાં દૂધપાન અને વિદ્યાપાનનું મહત્વ સમજાવ્યું છે.
આર્ટ ઓફ લીવીંગનો બેંગ્લોર બાદ પ્રથમ આશ્રય આણંદ નજીક આંકલાવડીમાં સ્થાપવામાં આવેલો. ભારતને આગળ વધવા માટે યુવાશકિતનું મજબૂત હોવું ખુબ જરૂરી છે. યુવાશકિતને ધ્વસ્ત કરવા નશાનો માર્ગ અપનાવવામાં આવે છે. જેથી નશો કરીશ નહીં અને નશો કરવા દઈશ નહીં એવી શ્રીશ્રી રવિશંકરજીએ સૌની પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ કોલેજ કે કેમ્પસમાં હિંસા થાય નહીં અને સમાજને હિંસામુકત બનાવવાનું આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ અને વાઈસ પ્રેસિડેન્ટ કિરણ પટેલ, આણંદની ચરોતર એજયુકેશન સોસાયટીના સેક્રેટરી કેતન પટેલ, ટ્રસ્ટી શ્વેતલ પટેલ અને જય પટેલ, વાસદ એસવીઆઈટીના ચેરમેન રોનક પટેલ અને હાર્દિક પટેલ, સરદાર પટેલ એજયુકેશન કેમ્પસના સેક્રેટરી શીતલ પટેલ દ્વારા શ્રીશ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં આર્ટ ઓફ લીવીંગ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા.
પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. નિરંજન પટેલ, ચારૂસેટ યુનિ.ના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, સીવીએમ યુનિ.ના પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની, ભાઈકાકા યુનિ.ના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ અને આણંદ કૃષિ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. કે.બી. કથીરીયાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. શૈલુભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, યુવા સંમેલનમાં 5 યુનિવર્સિટી, 6 શૈક્ષણિક સંસ્થાના 15000 વિદ્યાર્થી અને 1000 પ્રાધ્યાપકો ભાગ લઈ રહ્યા છે.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદના કોઠારી ભગવતચરણસ્વામી અને સંતો તથા અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ અને પ્રદીપ પટેલે શ્રીશ્રી રવિશંકરજીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડો. ભીખુભાઈ પટેલ ચારૂતર વિદ્યામંડળના જોઈન્ટ સેક્રેટરી મેહૂલ પટેલ અને વિશાલ પટેલ, ચારૂતર આરોગ્ય મંડળના માનદમંત્રી જાગૃત ભટ્ટ, સરદાર પટેલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. ભાઈલાલ પટેલ સહિત શૈક્ષણિક સંસ્થાના હોદેદારો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.