(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 18 : જાફરાબાદ તાલુકાનાં ખાલસા કંથારીયા ગામે આવેલ ખાલસા કંથારીયા સેવા સહકારી મંડળીનાં તત્કાલીન મંત્રી જસવંતરાય હિંમતલાલ શાહે પોતાની ફરજ દરમિયાન તેઓએ બોગસ ધિરાણો/લોન કેસ પોતે તૈયાર કરી અને વ્યવસ્થાપક કમિટીની જાણ બહાર પોતે આ મંડળીનાં સભાસદ નહી હોવા છતાં અને તેમને કોઈ લોન મળવાપાત્ર નહી હોવા છતાં મંત્રી જસવંતરાય હિંમતલાલ શાહે ખોટા લોન/ધિરાણ ખાતામંડળીનાં રેકર્ડ પર અલગ અલગ તારીખે ઉભા કરી ધિરાણ લોન કેસનાં દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી
આ મંડળીમાંથી કર્મચારી સીસી લોન રૂા.2 લાખ તારીખ 30/6/18 રોકડા, મકાન લોન રૂા. 11 લાખ તા. 24/3/22 રોકડા, બીજી મકાન લોન રૂા. 9 લાખ તા. 28/9/22 રોકડા, ત્રીજી મકાન લોન રૂા. 7 લાખ તા. 3/6/21 રોકડા, મઘ્ય સુધી નોર્મલ 5 વર્ષ 21-22 માં રૂા. 17,50,000 તા. 7/3/ર1નાં રોકડા તથા મઘ્ય સુધી નોર્મલ 5 વર્ષ 21-22 માં રૂા. 13 લાખ તા. 9/10/21 રોકડા મળી કુલ રૂા.59,50,000 ગેરકાયદે ઉપાડી લીધા હતા. આ રકમ પૈકી રૂા. 13 લાખ વ્યાજ સહિત ભરી આપવા ઈન્સ્પેકશન કરનાર અધિકારીએ સુચના આપતા તે રકમ મંત્રીએ ભરી આપી બાકી રકમ રૂા. 46,50,000 ભરી આપવા કબુલાત આપવા છતાં તે રકમ નહી ભરી નાણાકીય ઉચાપત કર્યાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.
યુવકનું મોત
અમરેલી તાલુકાનાં કેરીયાનાગસ ગામે રહેતા ભીમાભાઈ લાખાભાઈ બાંભણીયા નામનાં રપ વર્ષિય યુવક ગત તા. 16નાં રોજ કેરીયાનાગસ ગામે કારખાનામાં રોડનું કામ કરતા હતા. તે દરમિયાન લોખંડનો ઘોડો નમી જતાં આ યુવક જમીન ઉપર પડી જતાં અને લોખંડનો ઘોડો તેની ઉપર પડતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
જુગાર
બાબરા તાલુકાનાં નોંધણવદર ગામે રહેતા કનુભાઈ દેવકુભાઈ હુદડ સહિત 7 ઈસમો નોંધણવદર ગામે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય. આ અંગે બાબરા પોલીસને બાતમી મળતા દરોડો પાડી ર ઈસમોને રોકડ રકમ રૂા. 16800ની મતા સાથે ઝઢપી પાડયા હતા. જયારે પ ઈસમો નાસી છુટયા હોય પોલીસે આ તમામને ઝડપી પાડવા શોધખોળ આદરી છે. રાજુલા તાલુકાનાં કોટડી ગામે રહેતા મંગાભાઈ બોઘાભાઈ ચૌહાણ સહિત 4 ઈસમો કોટડી ગામે ઢોરાનામે ઓળખાતી શેરીમાં લાઈટનાં અજવાળે જાહેરમાં પૈસાથી હારજીતનો જુગાર રમતા હોય. આ અંગે રાજુલા પોલીસને બાતમી મળતા દરોડો પાડી ચારેય ઈસમોને રોકડ રકમ રૂા. 1રપ70ની મતા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.