વેરાવળ, તા.18 : વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતેથી ફાસ્ટ તથા સુપર ફાસ્ટ લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા સહીતના પ્રશ્ર્ને રેલ્વે ક્ધસ્લટન્ટ કમીટીના સભ્ય દ્વારા વડાપ્રધાન સહીતના લાગતા વળગતાઓને લેખીત રજૂઆત કરેલ છે.
આ અંગે રેલ્વે ક્ધસ્લટન્ટ કમીટીના સભ્ય મુકેશભાઇ ચોલેરા દ્વારા જણાવેલ કે, યાત્રાધામ સોમનાથ સમગ્ર ભારતભરમાં નહિ પણ દેશવિદેશમાં વિખ્યાત યાત્રાધામ તરીકે નામના મેળવેલ છે. સોમનાથ ટ્રસ્ટમાં ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સેવા આપી રહેલ હોય ત્યારે સોમનાથ આવતા યાત્રાળુઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ પગલા લેવા જરૂરી છે. સોમનાથ - મુંબઇ વચ્ચે ફાસ્ટ કે સુપર ફાસ્ટ ટ્રેનો હાલ કોઇ ચાલતી નથી. સોમનાથ થી મુંબઇ 950 કિલોમીટર જેટલું અંતર છે.
હાલની સુવિધાઓને ધ્યાને લઇ સોમનાથ થી મુંબઇ વંદે ભારત ટ્રેન નવી શરૂ કરવા યાત્રાધામ સોમનાથ થી હરીદ્રાર ડાયરેકટ સીધી ટ્રેન ફાળવવા સોમનાથ થી કચ્છ તથા કચ્છ થી સોમનાથ આવવા માટે ડાયરેકટ એક પણ ટ્રેન નથી યાત્રાળુઓને સોમનાથ આવવા તથા જવા માટે એક-બે સ્ટોપ કરી ટ્રેન બદલવી પડે છે અને ખાસો સમય જાય છે. કચ્છથી સોમનાથ આવવા-જવા માટે ડેઇલી ડાયરેકટ ટ્રેન ફાળવવા સૌરાષ્ટ્ર-જનતા ટ્રેન નંબર 19217 / 19218 વેરાવળ-બાંદ્રા કોવીડ મહામારીના સમય પછી ફરી ચાલુ કરવામાં આવેલ છે.
પરંતુ આ ટ્રેન પેસેજર ટ્રેનની જેમ દરેક નાના - મોટા સ્ટેશને સ્ટોપ કરતી હોય 18 થી 19 કલાક જેટલો સમય લે છે. આ અંગે યોગ્ય કરી ટ્રેનની સ્પીડમાં વધારો કરી ઓછા સમયમાં પહોંચે તેવા પ્રયાસ કરવા રાજકોટ થી નાથદ્વારા ટ્રેન વિકલી ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનને યાત્રાધામ સોમનાથ થી શરૂ કરવામાં આવે તો દેશના વિખ્યાત બંન્ને યાત્રાધામને જોડતી ટ્રેન મળવાથી ગુજરાત - રાજસ્થાન જવા ઇચ્છુક યાત્રાળુઓને મુસાફરીમાં સુગમતા થઇ શકે તેમ છે. આ સહિતના પ્રશ્ર્નો અંગે રજૂઆત કરી છે.