નવીદિલ્હી, તા.18 : દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસને રોકવા માટે ઉત્તર કોરિયા દરરોજ નવા નવા પેંતરાઓ અખત્યાર કરી રહ્યું છે. આઈસીબીએમ લૉન્ચ કર્યાના એક દિવસ બાદ જ ઉત્તર કોરિયાએ મોટો દાવો કરતાં કહ્યું છે કે ઉત્તર કોરિયાના આઠ લાખ લોકો અમેરિકા વિરુદ્ધ યુદ્ધ માટે ખુદ સેનામાં ભરતી થવા માંગે છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મજૂર વર્ગ પણ સામેલ છે. ઉત્તર કોરિયાના સમાચાર પત્ર રોડોંગ સિનમુનમાં આ દાવો કરવામાં આવ્યો છે.
આ પહેલાં ઉત્તર કોરિયાએ હ્યાસોંગ-17 આંતરમહાદ્વિપીય બેલિસ્ટિક મિસાઈલ (આઈસીબીએમ) લોન્ચ કરી હતી. અહેવાલો પ્રમાણે ઉત્તર કોરિયાએ આઈસીબીએમને કોરિયન પ્રાયદ્વીપ અને જાપાન વચ્ચે સમુદ્રમાં તોડી પાડી હતી. ઉત્તર કોરિયાએ ત્યારે કહ્યું હતું કે જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિના શિખર સંમેલનમાં સામેલ થવા માટે ટોક્યો જવાના હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો હેઠળ ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઈલો ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો અને લૉન્ચે સિયોલ, વોશિંગ્ટન અને ટોક્યોમાં સરકારોની નિંદા કરી છે. બીજી બાજુ ઉત્તર કોરિયાના તાનાશા કિમ જોંગ ઉને આ તણાવ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાને જવાબદાર ઠેરવ્યું છે. ઉત્તર કોરિયાએ કહ્યું કે તેના દ્વારા બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ અમેરિકા અને દક્ષિણ કોરિયાને એક સખત ચેતવણી આપવા માટે કરવામાં આવ્યું હતું.
ઉત્તર કોરિયાએ ફરીવાર અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અભ્યાસને ઉશ્કેરણીજનક ગતિવિધિ ગણાવી છે. બન્ને દેશ મોટાપાયે આક્રમક યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે જેના કારણે સ્થિતિ બગડવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. ઉત્તર કોરિયાની સરકારી ન્યુઝ એજન્સીએ કહ્યું કે અમેરિકા અને દક્ષિણ કોરિયાના ઉન્માદી ઉશ્કેરણીજનક અને આક્રમક યુદ્ધાભ્યાસ દ્વારા કોરિયન દરિયામાં વધુ પડતો અસ્થાયી સુરક્ષાનો માહોલ બનાવી દીધો છે જેના કારણે સ્થિતિ દરરોજ વણસી રહી છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ એક મહિનાની અંદર ત્રીજીવાર કોઈ હથિયારનું પરિક્ષણ કર્યું છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલના પરીક્ષણ પર દક્ષિણ કોરિયન સેનાનું પણ નિવેદન આવ્યું છે.