Rajkot : સરકારે માસ્ક ફરજિયાત નથી કર્યું, પોલીસે કરી દીધું : દંડ વસૂલવાનું શરૂ કરાતાં પ્રજામાં દેકારો !!

18 March 2023 03:55 PM
Rajkot Saurashtra
  • Rajkot : સરકારે માસ્ક ફરજિયાત નથી કર્યું, પોલીસે કરી દીધું : દંડ વસૂલવાનું શરૂ કરાતાં પ્રજામાં દેકારો !!
  • Rajkot : સરકારે માસ્ક ફરજિયાત નથી કર્યું, પોલીસે કરી દીધું : દંડ વસૂલવાનું શરૂ કરાતાં પ્રજામાં દેકારો !!

◙ અમુક પોલીસ મથકનો સ્ટાફ સાંજ પડે એટલે વિસ્તારમાં નીકળી જઈને માસ્ક વિના જે-તે દુકાન પર ઉભેલા લોકોને પકડીને 200 રૂપિયાના દંડની પહોંચ પકડાવી દેતો હોવાનું ખુલ્યું: ખુદ આરોગ્ય મંત્રીએ વિધાનસભામાં ‘માસ્ક ફરજિયાત નથી છતાં પહેરો તો સારું’ તેવું નિવેદન આપ્યું હોવા છતાં પોલીસ પર તેની કોઈ જ અસર નહીં !

◙ ગત સાંજે જ પંચનાથ વિસ્તારમાંથી પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે પાનની દુકાને ઉભેલા યુવક પાસેથી સિગરેટ પીવાના ‘ગુના’માં 200 રૂપિયાનો દંડ વસૂલ્યો’ને પહોંચ આપી માસ્ક નહીં પહેરવાની એ પણ 2020ના વર્ષની !! આગોતરી જાણ કર્યા વગર કે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા વગર જ દંડ લેવાતાં અચરજ

◙ ટ્રાફિકની સાથે સાથે હવે માસ્કનો દંડ પણ શરૂ થઈ જતાં પ્રજામાં જોરદાર કચવાટ: ઉચ્ચ કક્ષાએ પ્રત્યાઘાત પડવાની વકી

રાજકોટ, તા.18
રાજકોટ સહિત આખા રાજ્ય તેમજ સમગ્ર દેશમાં એચ3એન2 નામના વાયરસના કેસો નોંધાવાનું શરૂ થતાં જ સરકાર એક્શનમાં આવી ગઈ છે. બીજી બાજુ કોરોનાના કેસો પણ વધુ પ્રમાણમાં આવવા લાગ્યા હોવાથી ભૂતકાળની સ્થિતિ ફરી નિર્માણ ન પામે તે માટે અલગ-અલગ સ્તરના પગલાંઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. એચ3એન2 વાયરસ અને કોરોનાથી બચવા માટે માસ્ક કારગત હથિયાર નિવડી રહ્યું છે તેવો તબીબી અભિપ્રાય આપ્યા બાદ પણ સરકાર દ્વારા વિધાનસભાની અંદર એવી જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં માસ્ક બિલકુલ ફરજિયાત નથી પરંતુ જો લોકો તે પહેરે તો સારું રહેશે...એકંદરે સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રાજકોટની પોલીસે માસ્ક ફરજિયાત બનાવી દીધું હોય તેવી રીતે માસ્ક વગર ફરતાં લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરી દેતાં પ્રજામાં દેકારો બોલી જવા પામ્યો છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ગત સાંજે 7 વાગ્યાના અરસામાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ પંચનાથ વિસ્તારમાં ચેકિંગ પર નીકળ્યો હતો. આ વેળાએ એક યુવક દુકાન પાસે ઉભો રહીને સિગરેટનું સેવન કરી રહ્યો હતો ત્યારે તેની પાસે સ્ટાફે જઈને દંડ ભરપાઈ કરવી પડશે તેવું કહ્યું હતું ! ત્યારબાદ યુવકે સ્ટાફને પૂછયું હતું કે દંડ કઈ વાતનો ભરવાનો ? તો સ્ટાફે એવો જવાબ આપ્યો હતો કે તમે સિગરેટ પી રહ્યા છો એટલા માટે ! એકંદરે પોલીસ દ્વારા યુવક પાસેથી સિગરેટ પીવાના ‘ગુના’ બદલ દંડ વસૂલાત કરવાનો પ્રયત્ન કરાયો હતો.

ત્યારબાદ યુવકે દંડ ભરવા માટે સહમતિ દર્શાવતાં તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જો કે આશ્ચર્યજનક રીતે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે દંડ વસૂલાતની જે પહોંચ આપી હતી તે માસ્ક નહીં પહેરવા બદલની આપી હતી !! અધૂરામાં પૂરું જે પહોંચ આપવામાં આવી છે તે પણ તા.13-8-2020ની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું પોલીસ દ્વારા ધુમ્રપાન કરતાં લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે કે પછી માસ્ક નથી પહેર્યું તેના બદલામાં દંડ લેવામાં આવી રહ્યો છે.

પ્ર.નગર પોલીસના સ્ટાફ દ્વારા યુવકને જે પહોંચ આપવામાં આવી છે તેમાં ‘માંડવાળ રકમની પાવતી’ તેવું લખવામાં આવ્યું છે. જ્યારે એક ફકરાનું લખાણ લખવામાં આવ્યું છે તેમાં "તહોમત: કલમ-2, ધ ગુજરાત એપેડેમિક ડિસીસ એક્ટ,1897 હેઠલ બહાર પાડેલ ધ ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020 હેઠળ મળેલસત્તાની રૂએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા નં.જીપી/20/એનસીવી/102020/એસએફ-1/જી, તા.13/8/2020 હેઠળ કરેલ જોગવાઈ મુજબ જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક ન પહેરવા અથવા ચહેરો કોઈ પણ રીતે ઢંકાયેલ ન હોય તેમજ જાહેરમાં થૂકવા અંગે રૂા.200 વસૂલવામાં આવેલ છે” લખવામાં આવેલું છે. આ ઉપરાંત દંડ વસૂલાત કરનાર સ્ટાફની સહી પણ કરવામાં આવેલી છે.

હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું નથી તો પછી શા માટે પોલીસ દ્વારા માસ્ક અંગેનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ? મહત્ત્વની વાત એ પણ બની જાય છે કે જો પોલીસ દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હોય તો પણ તે અંગેની આગોતરી જાણ કે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે પરંતુ આ પ્રકારની કોઈ જ કાર્યવાહી કર્યા વગર સીધેસીધો દંડ વસૂલવામાં આવી રહ્યો હોવાથી પ્રજામાં ભયંકર ઉહાપોહ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓ તરફથી કોઈ સુચના અપાઈ હશે કે ‘કામગીરી’ બતાવવા સ્ટાફે જ કાર્યવાહી શરૂ કરી દીધી ?
માસ્ક નહીં પહેરવા બદલ દંડની વસૂલાત કરવામાં આવતાં તરેહ તરેહના સવાલો ઉઠવાનું શરૂ થઈ ચૂક્યું છે જેમાં એક સવાલ એ પણ છે કે આ પ્રકારે દંડ વસૂલવાની સુચના અધિકારીઓ તરફથી આપવામાં આવી હશે કે પછી જે તે પોલીસ મથકના સ્ટાફ દ્વારા ‘કામગીરી’ બતાવવા અથવા તો ‘ટાર્ગેટ’ પૂર્ણ કરવા માટે જ આ રીતે દંડ વસૂલીને પહોંચ ફાડવાનું શરૂ કરી દેવાયું હશે ? આ અંગેની તપાસ થાય તેવી લોકમાગણી પણ ઉઠ્યા વગર રહેતી નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement