◙ ચાંદીએ પણ ફરી 70000ની સપાટી કુદાવી: ગત રાતથી સોનુ સળગ્યુ: એમસીએકસ પર પણ 59000 ઉપરનો ભાવ: હજુ આગામી સપ્તાહે 60000ની સપાટી તોડવાના અહેવાલ વચ્ચે જ જબરો કુદકો
રાજકોટ, તા.18
અમેરિકા સહિતના દેશોમાં સર્જાયેલ વૈશ્વિક કટોકટીના પગલે સોનાના ભાવમાં ઓલટાઈમ હાઈ 10 ગ્રામના રૂા.60550 નોંધાયા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો ભાવવધારો છે. ગતરાત્રે જ સોનાએ 60000ની સપાટી તોડી હતી અને સાથોસાથ ચાંદીના ભાવે પણ ફરી એક વખત 70000ની સપાટી તોડીને 70600 નોંધાયા છે. અમદાવાદમાં જો કે માર્કેટમાં જીએસટી સાથે ગઈકાલે જ સોનુ 60000 પર પહોંચી ગયું હતું.
હવે ફરી એક વખત લગ્ન સહિતની મૌસમ શરૂ થશે અને સોનાની માંગ વધશે પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ઉંચા ભાવના કારણે સોનાની માંગમાં 40% ટકા જેવો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં જે સોનાનો સૌથી મોટો ખરીદનાર ક્ષેત્ર છે ત્યાં પણ સોનાની ખરીદીને બ્રેક લાગી છે.
કામા જવેલરીના એમ.ડી. કોલીન શાહના જણાવ્યા મુજબ સોનાની કિંમતમાં ચડાવ-ઉતાર ચાલુ રહેશે. ખાસ કરીને બેંકીંગ કટોકટી સર્જાય છે તેના કારણે સોના પર ભાવનું દબાણ છે. ઓલ ઇન્ડીયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટીક કાઉન્સીલના ચેરમેન સંયમ મહેરાએ જણાવ્યું કે સોનાના આંતરરાષ્ટ્રીય કિંમતમાં પ્રતિ ઓંશ 100 ડોલરનો વધારો થયો છે જેની અસર ડોમેસ્ટીક માર્કેટ પર પડી છે અને લગ્ન સહિતની ફરજિયાત ખરીદી હોવા છતાં લોકો હજુ રાહ જોઇ રહ્યા છે. ભારતમાં પ્રતિ વર્ષ 800-850 ટન સોનુ ખરીદાય છે જેમાં 40% દક્ષિણ ભારતનો હિસ્સો છે.