નવી દિલ્હી, તા. 18
સરકારને ચાલુ વર્ષે સીધા કરવેરાની આવકમાં જબરો ફાયદો થાય તેમ છે અને નેટ ડાયરેકટ કલેકશન (રીફંડ આપ્યા બાદ)એ 15.72 લાખ કરોડનો નોંધાયુ છે. જે તા.16 માર્ચ સુધીના આંકડા દર્શાવે છે કે સરકારે ડાયરેકટ ટેકસ કલેકશનનો સુધારેલો નવો અંદાજ મુકયો તેનો 95.2 ટકાનું કલેકશન થઇ ગયું છે અને માર્ચના અંત સુધીમાં હજુ વધુ ટેકસ ભરાઇ તેવી શકયતા છે.
સરકારે ચાલુ વર્ષે બજેટમાં 14.2 લાખ કરોડનો અંદાજ મુકયો હતો અને બાદમાં તે સુધારીને 16.5 લાખ કરોડ કર્યો હતો. જેમાં તા.16 માર્ચ સુધીમાં કોર્પોરેટ ટેકસની આવક રૂા.8.11 લાખ કરોડ, પર્સનલ ઇન્કમટેકસની આવક 7.32 લાખ કરોડની આવક જેમાં એડવાન્સ ટેકસ કલેકશન 7.40 લાખ કરોડનો સમાવેશ થાય છે. જયારે સિકયુરીટી ટ્રાન્ઝેકશન ટેકસ રૂા. 24093 કરોડ થયું છે. જેનો નવા સુધારેલો અંદાજ રૂા. 25 હજાર કરોડ હતો.
આ ઉપરાંત ત્રીજા અને ચોથા કવાર્ટરમાં જે એડવાન્સ ટેકસ મળ્યો હતો તેના સુધારેલા અંદાજો પણ આવશે અને આગામી એક કે બે દિવસમાં વધારે ટેકસ ભરાશે તેવા સંકેત છે. એડવાન્સ ટેકસનો ચોથા તબકકાનું પુરેપુરૂ કલેકશન હજુ આવ્યું નથી.
સરકારે ઇન્કમટેકસમાં 2.97 લાખ કરોડનું રીફંડ ચૂકવી દીધું છે. એડવાન્સ ટેકસની આખરી તા. 15 માર્ચ હતી. સેન્ટ્રલ બોર્ડ ડાયરેકટ ટેકસ દ્વારા તા. 20 માર્ચ સુધીમાં ટાર્ગેટ મુજબ એડવાન્સ ટેકસ મળી જવાની ધારણા રાખે છે. ખાસ કરીને ચાલુ વર્ષે ટેકસ કલેકશન વધશે તેવો અંદાજ છે. એડવાન્સ ટેકસ ચાર હપ્તામાં ભરવામાં આવશે. 2023ના વર્ષમાં સરકારને આડકતરા વેરાની આવકમાં પણ મોટો વધારો થવાની ધારણા છે.