► મહિલાએ કહ્યું, રૂ.20 હજાર બે મહિના પૂર્વે લીધા હતા:રાત્રે ચારેય શખ્સો દારૂ ઢીંચીને આવ્યા અને માથાકૂટ કરી
► સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ થતા પોલીસ દોડી:ચારેય શખ્સો સામે કાર્યવાહી કરવા તજવીજ
રાજકોટ,તા.18
ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા માટે એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.આ અભિયાનમા રાજકોટ શહેર પોલીસે પણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું મહા અભિયાન આગળ ધપાવ્યું હતું તેમજ દરેક પોલીસ મથકમાં લોક દરબાર પણ યોજવામાં આવ્યા હતાં.ઘણા વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વ્યાજખોરોને પકડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ હજુ વ્યાજખોરોના ત્રાસ ના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.
રાજકોટમાં પણ વ્યાજખોરોના ત્રાસનો બનાવ સામે આવ્યો છે જેમાં વ્યાજખોરો મોડી રાત્રે નાનામવા રોડ પર આવેલી કૈલાશ કર્મચારી સોસાયટીમાં ચાર શખ્સોએ મોડી રાત્રે રીતસરનો આંતક મચાવ્યો હતો અને મહિલા પાસેથી લીધેલા રૂ.20 હજારની પઠાણી ઉઘરાણી કરી ઘરનો સામાન લઈ ગયા હતા.ત્યારે આ બનાવનો વીડિયો સામે આવતા માલવીયા નગર પોલીસે ચારેય શખ્સોની ઓળખ મેળવી ધરપકડ કરવા તજવીજ આદરી છે.
વધુ વિગતો મુજબ,નાનામવા રોડ પર આવેલી કૈલાશ કર્મચારી સોસાયટી માં રહેતા કંચનબેન રમેશભાઈ ચાવડા નામના વૃદ્ધાએ જણાવ્યું હતું કે, ત્રણેક મહિના પહેલા હોસ્પિટલની સારવાર માટે અજયસિંહ નામના વ્યાજખોર પાસેથી રૂપિયા 20,000 વ્યાજે લીધા હતા જેનું એક અઠવાડિયાનું 2000 રૂપિયા વ્યાજ કંચનબેન ચૂકવતા હતા.
પરંતુ થોડા દિવસથી ગામડે કામ હોય જેથી પરિવાર સાથે ગામડે ગયા હતા અને તેમનો મોબાઇલ સ્વીચ ઓફ હાલતમાં હોઈ આ વ્યાજખોરો અનેકવાર ફોન કરતા પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો ત્યારબાદ ગઈ.તા.15ના રોજ આવ્યા ત્યારે આ અજયસિંહ અને તેમના ત્રણ સાગરીતો રાત્રે એકાદ વાગ્યે પોતાની સફેદ કલરની કાર લઈ આવ્યા હતા.
જે કાર મુખ્ય રસ્તા પર પાર્ક કરી ઘરે આવી મોટેથી ગાળો બોલતા હતા અને પૈસાની ઉઘરાણી કરતા પૈસા ન હોવાનું જણાવતા તેઓ ઘરમાંથી વોશિંગ મશીન ઉપાડી ગયા હતા.બાદમાં નાણાં આપ્યા પછી આ સામાન લઇ જવા ધમકી આપી હતી.
કંચનબેને કહ્યું હતું કે, મારો પુત્ર મજૂરી કરે છે અને આ લોકો માથાભારે છે.પોલીસમાં ફરિયાદ નહીં કરવા પણ ધમકી આપી હતી.આ મામલે વીડિયો વાયરલ થતા જ માલવીયા નગર પોલીસે વૃદ્ધાનું નિવેદન લેવા તજવીજ આદરી છે.