મોસ્કો, તા. 18
આંતરરાષ્ટ્રીય ક્રિમીનલ કોર્ટ દ્વારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીન સામે યુધ્ધ અપરાધ બદલ ગીરફતારી વોરંટ જાહેર કરતા જ હવે નવું ડિપ્લોમેટીક યુધ્ધ છેડાઇ અને પુટીન યુક્રેન પર વધુ તાકાતથી આક્રમણ કરે તેવી શકયતા છે.
પુટીન સામેના વોરંટમાં યુક્રેનમાં યુધ્ધ અપરાધ જેમાં બાળકોના અપહરણ અને તેને દેશ છોડવો પડે તેવી સ્થિતિ દર્શાવી છે અને તે બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ જોકે કોઇપણ દેશના વ્યકિતને ધરપકડ કરવાની સતા નથી તે મુદો ઉઠાવાયો હતો. આ આંતરરાષ્ટ્રીય અદાલત પાસે કોઇ વ્યવસ્થા તંત્ર નથી કે પોલીસ દળ પણ નથી. ફકત કોઇપણ નેતાને દોષી જાહેર કરી શકે છે અને તેની સામે વોરંટ જાહેર કરી શકે છે.
પરંતુ તેની ધરપકડ કરવી કે કેમ તે વિશ્વના દેશો પર આધારીત રહે છે અને પુટીન રશિયામાં છે તે રશિયાની બહાર નીકળે તો જે દેશમાં પ્રવાસ થાય ત્યાં તેની ધરપકડ કરવી કે કેમ તે પણ અદાલત દબાણ કરી શકતી નથી. જોકે પુટીન હાલ યુક્રેન પર આક્મણ બાદ રશિયાની બહાર નીકળ્યા જ નથી. રસપ્રદ બાબત એ છે કે રશિયા ખુદ આ અદાલતનું સભ્ય નથી અને તેથી તે અદાલત પુટીન સામે કોઇ કાર્યવાહી કરી શકે કે કેમ તે પણ પ્રશ્ન છે.