રાજકોટ,તા.18
કેનાલ રોડ લલુડી હોકડી પાસે વસુંધરા સોસાયટીમાં રહેતા ભારતીબેન જગદીશભાઇ સાગઠીયા(ઉ.વ.29) એ પોતાની ફરિયાદમાં રાજકોટ તાલુકા અનુસૂચિત સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ રણજીત ગિરધરભાઈ મકવાણા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ માલવિયા પોલીસ મથકમાં નોંધાવી છે.
ભારતીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.04/03/2022 ના રોજ મને જાણવા મળેલ કે રાજકોટ તાલુકા અનુસુચીત સામુદાયીક ખેતી સહકારી મંડળી દ્વારા ખેતી કરવા માટે જમીન આપવામા આવે છે.જેની ઓફીસ રાજનગર ચોક પાસે ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આવેલી છે.જેથી હું તથા મારા પતિ જગદીશ એમ બન્ને રાજકોટ તાલુકા અનુસુચીત સામુદાયીક ખેતી સહકારી મંડળી લી. ની ઓફીસે ગયેલ અને આ ઓફીસે રણજીતભાઇ ગીરધરભાઈ મકવાણા હાજર હતા અને અમો આ રણજીતભાઇ અમારી જ્ઞાતિ ના હોઇ જેથી અમો તેમને ત્યાં મળ્યા હતા.
આ રણજીત મકવાણાને ત્યા ઓફિસે જણાવેલ કે ખીજડીયા ગામે અમારી મંડળીની જમીન આવેલ છે.જેથી તમારે જોતી હોઇ તો તમારે મંડળીના સભ્યપદ માટે રૂ.1000 ભરવા પડશે જેથી અમોએ મંડળીના સભ્યપદ માટે રૂ.1000 ભરી દીધા હતા અને બાદમાં તેઓએ બીજા ત્રણ લાખ ભરવા માટે જણાવેલ જેથી બીજા દિવસે પાછા મંડળીની ઓફિસે જઇને રૂ.1,50,000 રોકડા ભરેલ.
ત્યાર બાદ કટકે કટકે થઇને રૂ.1,50,000 રોકડા આપ્યા હતા.બાદમાં રણજિતને જમીન લેવા માટે તેમની મંડળીની ઓફિસે નાણાં આપેલ બાદમા તેઓને જમીનના કાગળો બાબતે પુછતા તેઓ મને એક બે મહીના સુધી કાગળોની કામગીરી ચાલુ છે કાગળો થાય એટલે તમને જમીનના કાગળો આપીએ તેવુ જણાવ્યું હતું અને બાદમા થોડા સમય બાદ રાજનગર ચોક ખાતે આવેલ અનુસુચીત સામુદાયીક ખેતી સહકારી મંડળી લી. ની ઓફિસ બંધ થઇ ગયેલ હોઇ તેવુ જાણવા મળેલ તેમજ તેની તેનો મોબાઈલ પણ સ્વીચઓફ કર્યો હતો.આ અંગે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.