રાજકોટ,તા.18
જયા જંત્રીના ભાવ નકકી નથી તેવા રેવન્યુ સર્વે નંબર માટે દસ્તાવેજ કરતા પહેલા સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનના ડે.કલેકટર જંત્રી ભાવ નકકી કરશે.આ નિર્ણયને રાજકોટ રેવન્યુ બારના વકીલોએ વધાવ્યો છે. રાજકોટ શહેર ભાજપ લીગલસેલના સહકન્વીનર એડવોકેટ સી.એચ.પટેલ અને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજયભાઈ તોગડીયાએ જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા જંત્રીના અભિપ્રાય માટે અલગ-અલગ અસોસીએશન તેમજ સલગ્ન ડિપાર્ટમેન્ટમાં ઓફિસરોની એક મીટીંગ રાજકોટ કલેકટર દ્વારા રાખવામાં આવેલ હતી.
જેમાં રેવન્યુબાર સેક્રેટરી વિજયભાઈ તોગડિયા તથા ભાજપ લીગલ સેલના સહ-કન્વીનર સી.એચ.પટેલ હાજર રહેલ તેમાં ખાસ કરીને જે એરિયાની જંત્રીના હોય તેમાં કોઈ પણ અરજદાર દ્વારા જંત્રી જાણી શકે તે માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરવાનું સૂચન કરેલ તે અંગે રાજકોટ આર.એ.સી. અને કલેકટર દ્વારા હકારાત્મક વલણ રાખીને ગુજરાત સરકારને રજૂઆત કરાતા સરકાર દ્વારા જેમાં જંત્રી ન હોય, અસ્પષ્ટ હોય તેમાં ઓનલાઈન પોર્ટલમાં અરજી કરવાથી જંત્રી અંગેનો અભિપ્રાય મળી જશે.
જેથી કરીને સરકારના તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેશને એફએસઆઈ નકકી કરવામાં તેમજ જયાં મિલકત સંપાદન થતી હોય તેમાં વળતર આપવામાં જંત્રી અંગેના અલગ-અલગ અભિપ્રાય આવતા હોય ત્યાં સદર બાબતથી જંત્રી અંગે એકસૂત્રતા આવશે તેમજ સરકારી અધિકારી તેમજ અરજદારો વચ્ચે થતી ગેરસમજ અટકશે અને ગુજરાત સરકારના આ નિર્ણયથી ભષ્ટ્રાચારમાં ઘટાડો થશે તેમજ સરકારની સિસ્ટમમાં એકસૂત્રતા આવશે.
આ બાબતને લઈને રાજકોટ રેવેન્યુબાર એસોસિએશન ગુજરાત સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયને આવકારે છેતેમજ ગુજરાત સરકારનાં ખુબ-ખુબ આભાર માને છે.તેમ જણાવ્યું છે.