► મનપા દ્વારા ચાલતા આરોગ્યલક્ષી ચેકીંગમાં આજે અમુલ એજન્સી સહિતના સ્થળે ચેકીંગ કરીને વાસી શીખંડ અને આઇસ્ક્રીમની સામગ્રીનો નાશ કરાયો હતો જે સાથે ફ્રુટના ગોડાઉનમાં પણ ચેકીંગ કરતા ડે.કમિશ્નર આશિષકુમાર, ડેઝી. ઓફિસર ડો. હાર્દિક મેતા પણ નજરે પડે છે.
રાજકોટ, તા. 18 : વહેલી ગરમીના પગલે આઇસ્ક્રીમ સહિતના ઠંડા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ વધી ગયો છે ત્યારે મનપાની આરોગ્ય શાખાએ સઘન ચેકીંગ આગળ વધાર્યુ છે. જેમાં જામનગર રોડ પર ઇન્ડ. એરીયામાં આવેલી અમુલ એજન્સીના ડિસ્ટ્રીબ્યુટરને ત્યાંથી એકસપાયર થયેલો શીખંડ અને આઇસ્ક્રીમનો જથ્થો મળતા તેનો નાશ કરવામાં આવ્યો છે. તો પાંજરાપોળ પાસે દુકાનમાંથી પણ વાસી મુખવાસ, સોસ સહિતના માલનો નાશ કરાયો હતો.
ડે.કમિશ્નર આશિષકુમારના માર્ગદર્શન હેઠળ ડેઝી. ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ વિભાગના અધિકારી કે.જે.સરવૈયાની ટીમે જામનગર રોડ પર યોગી ઇન્ડ. એરીયામાં આવેલા સૌરાષ્ટ્ર-કચ્છ વિવિધલક્ષી સહકારી મંડળી નામની અમુલ ડિસ્ટ્રીબ્યુટરની એજન્સીમાં ચેકીંગ કર્યુ હતું. ત્યાં ચકાસણીમાં એકસપાયર થયેલ 14 કિલો શીખંડ અને બે કિલો આઇસ્ક્રીમ મળી 16 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરી હાઇજેનિક કંડીશન જાળવવા નોટીસ ફટકારી હતી.
આ ઉપરાંત ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસે આવેલ દ્વારકાધિશ એજન્સીમાંથી એકસપાયર થયેલ બેકરી આઇટમ, મુખવાસ અને સોસ મળી આવતા પાંચ કિલો માલનો નાશ કરી નોટીસ અપાઇ હતી. આ ઉપરાંત આજે ઉનાળામાં જુદા જુદા ફ્રુટના ગોડાઉનમાં કઇ રીતે ફ્રુટ પકવવામાં અને સ્ટોર કરવામાં આવે છે તે અંગે પણ પાંચ જગ્યાએ ચેકીંગ કરીને યોગ્ય સ્થિતિ જાળવવા નોટીસ આપવામાં આવી હતી. આ પેઢીઓમાં જામનગર રોડના (1) ગોલ્ડ કેળાં કોલ્ડ સ્ટોરેજ (2) એચ.એસ. ફ્રૂટ સેન્ટર (3) સુલેમાન હાજી સન્સ (4) ગોલ્ડ કેળાં કોલ્ડ (રૈયા ધાર રોડ) (5) જે.બી. વોટરનો સમાવેશ થાય છે.
હોકર્સ ઝોનમાં ચેકીંગ
ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના શાસ્ત્રી મેદાનની સામે હોકર્સ ઝોનમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓને ત્યાં 15 નમુનાની ચકાસણી કરી કુલ 15 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના અપાઇ હતી.
જે જગ્યાએ નોટીસ અપાઇ તેમાં (1)ક્રિષ્નાભાઈ ગરમા ગરમ ઘૂઘરા (2)જયંતીભાઈ ઘૂઘરાવાળા (3)જય ચામુંડા પાન સેન્ટર (4)બજરંગ ટી સ્ટોલ (5)દિલ્લી સ્પેશીયલ છોલે ભટુરે (6) મિલન સોડા સરબત લચ્છી (7)લલિતભાઈ ચાટ ભંડાર (8)માની મદ્રાસ કાફે (9)અનમોલ દાળ પકવાન (10)ભૂરાભાઈ દાળ પકવાન (11)શ્રી રામદેવ ભેળ સેન્ટર (12)દિલ્લીવાલે સીતારામ કે સ્પેશીયલ છોલે ભટુરે (13)ફેમસ વડાપાઉં (14)જામનગરી સ્પે. ભાજીકોન (15)જય શંકર દાળ પકવાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત (16)ઇન્દોરી પૌવા (17)સનમ ભૂંગળા બટેટા (18)શ્રી રામ સોડા સેન્ટર (19)જય મોમાઈ છોલે ભટુરે (20)શક્તિ કુપા દાળ પકવાનમાં પણ તપાસ કરવામાં આવી હતી.