► એ.સી. ચેમ્બરમાં બેસનારાઓને અર્પણ : મહાપાલિકાના આધાર કેન્દ્રમાં કાર્ડમાં સુધારા અને અપડેટેશન માટે થોડા દિવસોથી લાઇન લાગી રહી છે. જેમાં આજે તો કેન્દ્ર બહાર તડકામાં અરજદારોને ઉભા રહેવાની નોબત આવી હતી
રાજકોટ, તા. 18 : રાજકોટ મહાપાલિકામાં નાણાંકીય વર્ષ પૂર્ણ થતા પૂર્વે ઘણા વિભાગોમાં કામગીરીનો ધમધમાટ વધી ગયો છે ત્યારે થોડા દિવસોથી આધાર કેન્દ્રોમાં વધેલા કામના કારણે વિભાગ બહાર સુધી અરજદારોની લાઇન પહોંચી ગઇ છે. 31 માર્ચ સુધીમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ લીંકઅપ કરવું ફરજીયાત હોય, આ કામગીરી માટે અરજદારો કોર્પો. ઉપરાંત પોસ્ટ ઓફિસ, બેંક જેવી કચેરીઓએ પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યાનું જાણવા મળ્યું છે.
કેન્દ્ર સરકારે અનેક મુદ્દત આપ્યા બાદ હવે 31 માર્ચ સુધીમાં દંડ સાથે આધાર અને પાન કાર્ડ લીંકઅપ કરવા છેલ્લી મુદત આપી છે. હવે કાર્ડ લીંકઅપ ન થાય તો રીટર્ન ફાઇલ ન થવાથી માંડી બેંકોની રોજિંદી કામગીરી પર અસર પડવાની ભીતિ પણ છે. લાંબા ગાળે બેંક એકાઉન્ટ પણ સ્થગિત થઇ શકે છે. સરકારની આ વોર્નિંગ બાદ લીંકઅપ માટે બાકી રહેલા લોકોએ દોટ મૂકી છે. એક તરફ નાગરિકો દંડ સાથે પણ કાર્ડ લીંકઅપ કરાવવા કચેરીએ પહોંચી રહ્યા છે ત્યારે ત્રણેક દિવસથી કેન્દ્રમાં એટલી લાઇન થાય છે કે ઘણા લોકોને અને મહિલાઓને પણ બહાર તડકામાં ઉભુ રહેવું પડે છે. આધાર કેન્દ્રના રીનોવેશનની જાહેરાત પણ તંત્ર કરી ચુકયુ છે. પરંતુ આ યાતના વર્ષો જુની છે તે પણ હકીકત છે.
હાલ આધાર કાર્ડમાં સુધારા માટે ત્રણે ઝોનમાં રોજ સરેરાશ હાલ 300 જેટલી અરજી આવી રહી છે. ચાલુ મહિનામાં જ મનપામાં પાંચ હજારથી વધુ નાગરિકોએ સુધારાની પ્રક્રિયા કરાવી છે. બંને કાર્ડમાં રહેલી વિગતો એક સરખી હોય તો જ સરકારી કાર્યવાહી થઇ શકે છે. ચાલુ માર્ચ મહિનામાં વધુને વધુ લોકો લીંકઅપ માટે કોર્પો. કચેરીએ જાય છે. ત્રણે ઝોનમાં કુલ 12 કીટ પર આધાર નોંધણી અને સુધારાનું કામ ચાલી રહ્યું છે. મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબર સુધારવા માટે સૌથી વધુ અરજીઓ આવી રહી છે.
આધાર-પાન લીંકઅપ ન હોય તો આવકવેરા ઉપરાંત જીએસટી રીટર્ન ભરવામાં પણ મુશ્કેલી થઇ શકે છે. આટલી ભીડ વચ્ચે હજુ મનપામાં છેલ્લે મંજૂર થયેલી નવી કીટ એકટીવ થઇ નથી. કેન્દ્રની એજન્સીમાંથી ઓપરેટર પણ મળ્યા નથી. આ અરજી લાંબા સમયથી પડતર છે. જો કોર્પો.એ જાતે ખરીદેલી કીટ સમયસર એકટીવ થઇ ગઇ હોત તો માર્ચમાં આ કામગીરીમાં થોડી રાહત થાય તેવી શકયતા હતી. પરંતુ હાલ તો કેન્દ્ર પર સતત ભીડ વધતી જાય છે તે હકીકત છે.